સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા
ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને પરિણામે લાંબા ગાળે જીવાતોએ તેની સામે પ્રતિકારક શકિત વિકસાવવાનું શરૂ કર્યુ. તેના નિવારણ માટે વૈજ્ઞાનિકએ જુદા જુદા રાસાયણિક બંધારણવાળી કીટકનાશક દવાઓની શોધ શરૂ કરી. આજે બજારમાં ઘણી આધુનિક કીટનાશક દવાઓ ઉપલબ્ધ થયેલ છે કે જે વિશિષ્ટ રીતે જીવાત પર અવળી અસર કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી આધુનિક કીટનાશક દવાઓ ટેટ્રાનીક એસીડ જુથમાં સ્પાઈરોમેઝીફેન (ઓબેરોન અને ઈન્વીડોર) દવા બજારમાં મળતી થઈ છે. આજ જુથને મળતા આવતા ટેટ્રામીક જુથની અન્ય એક કીટનાશક દવા બાયરક્રોપ સાયન્સ દ્વારા વિકસાવેલ છે કે જે સ્પાઈરોટેટ્રામેટ નામના ટેકનીકલ (સામાન્ય) નામથી મળે છે.
પરદેશમાં આ દવા મોવેન્ટો (Movento), અલ્ટોર (Ultor) અને કોનટોન (Konton) ના નામે રજીસ્ટર્ડ થયેલ છે. જો કે હાલ આપણે ત્યાં આ કીટકનાશક દવાની નોંધણી (રજીસ્ટર) થયેલ નથી પરંતુ નજીકના ભવિષ્યમાં તે મળવાની શકયતા રહેલી છે તેથી તેના વિષે પ્રાથમિક માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

સ્પાઈરોટેટ્રામેટ એ શોષક પ્રકારની કીટકનાશક દવા છે. તેનો છંટકાવ છોડ પર કરવા તે પાનના કોષોમાં શોષાઈ જાય છે અને છોડના વિવિધ ભાગોમાં પ્રસરી જાય છે. સામાન્ય રીતે અત્યાર સુધી મળતી શોષક પ્રકારની કીટનાશક દવાઓનું વહન છોડની અંદર કોઈ એક જ દિશામાં થતુ હતું પરંતુ સ્પાઈરોટેટ્રામીટ એ એક તદન નવા જ પ્રકારની કીટનાશક દવા છે કે જે છોડમાં નીચેથી ઉપર (એક્રોપીટલ) અને ઉપરથી નીચે (બેઝીપીટલ) એમ બન્ને દિશામાં વહન થાય છે. આવી શોષક પ્રકારની કીટકનાશક દવાનો ફાયદો એ છે કે તે છોડના ઉપરના ભાગોમાં નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ કરે છે. તે ઉપરાંત છોડના જમીનની અંદર રહેલા ભાગ (મૂળ વિસ્તાર) કે છોડના અંદરના કોષોમાં રહી નુકસાન કરતી જીવાત (દા.ત. પાનકોરીયું) નું તે સારી રીતે નિયંત્રણ કરે છે. છોડના દરેક ભાગમાં તે પ્રસરવાની સારી એવી ક્ષમતા ધરાવે છે. આવી શોષક પ્રકારની કીટનાશક દવાનો ઉપયોગ ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, તડતડીયાં, સાયલા, સફેદમાખી, થ્રિપ્સ, ચિકટો (મીલીબગ) અને ભીંગડાવાળી જીવાતનું તે અસરકારક રીતે નિયંત્રણ કરે છે. તે ઉપરાંત આ કીટનાશક દવા પાનકથીરીના સંપર્કમાં આવતા તેના પર અસર ઉપજાવી તેનું પણ નિયંત્રણ કરે છે. તેથી તે કીટનાશક- વ-કથીરીનાશક તરીકે પણ ઓળખાય છે. પરદેશમાં તે શાકભાજી અને ફળપાકો નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતોની નિયંત્રણ માટે વપરાય છે. બજારમાં તે ૨૨.૪ % એસસી (સસ્પેશન્સન કોન્સેટ્રેન્ટ) સ્વરૂપે મળે છે. સામાન્ય રીતે ૨ મિ.લિ. / ૧૦ લિટર પાણી અથવા તો ૨ લિટર દવા પ્રતિ હેકટર પ્રમાણે વપરાય છે.
‘સ્પાઈરોટેટ્રામેટ’ દવાની જીવાત મારવાની પધ્ધતિ વિશિષ્ટ પ્રકારની હોય છે. તે જીવાતના શરીરમાં લીપીડ બનાવાની ક્રિયામાં અડચણ ઉભી કરે છે અથવા તો લીપીડના સંશ્લેષણને બંધ કરે છે. તેથી ‘લીપીડ સિન્થેસીસ ઈન્હીબીટર’ તરીકે ઓળખાય છે. જીવાતની અપુખ્ત અવસ્થા (બચ્ચાં અને ઈયળો) માં લીપીડ નું પ્રમાણ ઘટતા તેનો વિકાસ અટકે છે. જયારે પુખ્ત કીટકોમાં તેની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. આમ થતા જીવાતની વસ્તીમાં ઘટાડો થાય છે.


























