ગુલાબી ઈયળ નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી

અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ જે સાવ નાનકડી હોય છે ત્યારે ભુખરા રંગના માથાવાળી એકદમ ટચુકડી હોય છે. મોટી થતા થતા ખાલી અડધા ઈંચની થાય છે. પુખ્ત બનતા તેના ઉપર ગુલાબી પટ્ટી થાય છે કપાસના જીંડવાને કાતરતી કાતરતી અડધા ઈંચની આ ઈયળ તમને સૌને ખુલ્લમ ખુલ્લા ચેલેન્જ કરે છે કે તમે મનુષ્યો ભલે ભારે અક્કલવાળા ગણાવ પણ તમારે જ હવે વિચારવાનું છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે.


અમે ગુલાબી ઈયળ કિટક સમુદાયની લેપીડોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબ માંથી આવેલી પેકટીનોફોરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળને અંગ્રેજીમાં પીંક બોલવર્મ કહે છે અને તમે બધા અમને ગુલાબી ઈયળ તરીકે ઓળખો છો.   


ગુલાબી ઈયળનો આખો સમાજ કૃષિ વૈજ્ઞાનિકો ઉપર હસી રહ્યો છે. અમારું વતન એશીયા ગણાય છે અમો સૌ પ્રથમ ઈસ્ટર્ન ઈન્ડીયન ઓશન રીજીયનમાં  દેખા દીધેલી પછી ૧૯૧૭માં અમે અમેેરીકાના ટેકસાસમાં દરીયાની સ્ટીમરો મારફત અમે મેકસીકો સુધી પહોંચેલા છીએ. તમે અમને કયાં કયાં મારશો, થાકી જાશો.  
અમે માત્ર કપાસ ઉપર જીવીએ છીએ તે પણ તમને મંજુર નથી !

અને કપાસ ખાવાના અમારા હક્ક ઉપર તરાપ મારવા તમે જાતજાતની જંતુનાશકો બનાવી અધુરામાં પુરુ તમે સિન્થેટીક પાયરેથ્રોઈડ જેવી દવાઓ દ્વારા અમને મારવાની લાયમાં પર્યાવરણને નુકશાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.  ડીડીટી જેવી ઝહેરીલી દવા બંધ થઈ ગઈ તેને બનાવતી કંપની પણ બંધ થઈ ગઈ તેમ છતા તેના નુકશાનકારક અસરથી હજી વિશ્વનો કોઈ દેશ મુકત નથી તોય તમે સમજતા નથી અને છેલ્લે તમે તો અમારુ નિકંંદન નીકળી જાય તે માટે બીટી ટેકનોલોજી લાવ્યા.

પણ તમે યાદ રાખજો કે અમે આ ધરતી ઉપર હંમેશા રહેવાના અમારી બહેનો લીલીબેન , કાબરી બેન, લશ્કરી બેન પણ અમારી જેમ પ્રતિકારકતા કેળવવા અત્યારે  અથાક મહેનત કરી જ રહી છે. તે પણ આવતા વર્ષોમાં શક્તિ કેળવી લેશે. ત્યારે તમને ખબર પડશે અને તમારા મોઢા ફાટયા રહેશે.
અમને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાથી બહુ બીક લાગે છે. ઈ  તમે જાણી ગયા છો અને બીજુ ખેતરે ખેતરે અમારા ભાયડાને પકડવા ઓલ્યા ફુગાવાળા પીંજરા (ફેરોમોન ટ્રેપ) મૂકો છો ને વળી માદાની સુગંધવાળી ટ્‌યુબના ટપકા મૂકો છો અમારા ભાયડા અમારી માદાની સુગંધ ભાળીને ભલે ગલોટીયા મારી જાય તેવુંં તમે કર્યુુ અને બેવેરીયા બેસીયાના ફુગને પણ  અમારી પાછળ છોડી પણ એમ કાંઈ અમે લીલી-કાબરી-લશ્કરી નથી તે તમે સમજી લેજો. અમે છીએ ઈયળના આખા સમાજની સૌથી રીઢી જાત ગુલાબી ઈયળ.
અમારું નામ છે… પીંક ગૌરી ગુલાબ ચંદ્ર લાલગુલાબી અમે એમ કાંઈ તમારા વિસ્તારમાંથી જવાના નથી, તમે જયાં સુધી કપાસ વાવશો ત્યાં સુધી અમે તમારા વિસ્તારમાં રહેવાના ને રહેવાના. તમે અમને જીંડવામાં ગરતા પહેલા જો મારી શકો તો મારો નહિત્તર  એકવાર અમે જીંડવામાં ગરી જાય પછી તમારા જેવા પામર મનુષ્યનું કાંઈ ન આવે
થાઈ ઈ કરી લેજો, તમને સૌને જાહેર ચેલેન્જ કરીએ છીએ. આ વર્ષે જો તમે વીધે ૩૦ મણ કપાસ  કરી બતાવો તો સાચા ગણીએ. તમારી તેવડ કેટલી છે ઈ દીવાળીએ ખબર પડશે. જોજો રાતા પાણીએ રોવાનો વારો આવશે ત્યારે યાદ કરજો કે મેં શું કીધુ હતું. તમારા માંથી થોડાકે આ વર્ષે પ્રો-કોટન ચેલેન્જ લીધી છે તેટલાનો અમને ડર છે બાકી કપાસ વાવવા વાળા બધા ખેડૂતો કઈ સીન્થેટીક છાંટી શકવાના નથી ઈ અમને ખબર છે.
લી.
જય ભલ્લાલમલાલ,
પીંક ગૌરી ગુલાબચંદ્ર લાલગુલાબી,
ગુલાબી ઈયળ સંગઠનના પરમુખની જાહેર ચેતવણી

– કૃષિ શિક્ષણ શ્રેણી કૃષિ વિજ્ઞાન દ્વારા.

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન

ચિત્ર પ્રતીકાત્મક છે –  માહિતી સંકલિત કરેલ છે. 

Related posts

Leave a Comment