
ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં વૃદ્ધિ ગંઠાઈ જાય છે. આ નીંદણનો ઉપદ્રવ ખાસ કરીને રસ્તાની બાજુમાં, રહેણાંક કે અન્ય પડતર જમીનોમાં જોવા મળે છે. પાક વિસ્તારમાં બહુ ઉપદ્રવ હોતો નથી, પરંતુ હવે ઘણાં પાકમાં જોવા મળે છે. તેમાં રહેલ ઝેરી તત્ત્વ “પાર્થેનીન’ના કારણે માણસમાં ચામડીના અને માનસિક તણાવના એલર્જીક રોગો થાય છે. તેની પરાગરજ ખૂબ જ હાનિકારક હોય છે. પશુઓમાં પણ ઘણાં રોગો થાય છે.
ગાજરઘાસના નિયંત્રણ માટે સંકલિત ઉપાયો :
- નવા વિસ્તારમાં ગાજરઘાસ જોવા મળે ત્યારે તેને હાથથી ઉખેડવાની ઝુંબેશ કરવાની ભલામણ છે. આ માટે સ્વયંસેવકોએ હાથમોજા પહેરવા અને ચોકસાઈ કરવી કે છોડ મુકુટ વિસ્તાર સુધી ઊખડી ગયેલ છે
- ગાજરઘાસ પ્રસ્થાપિત થયેલ હોય તેવા વિસ્તારમાં નીંદણના કાર્યશીલ વૃદ્ધિકાળ દરમ્યાન ૨,૪ ડી (સોડીયમ સોલ્ટ ) ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છોડ પર છંટકાવ કરવો.
- ડાયક્વોટ અથવા ગ્લાયફોસેટ ૧.૦% (૧૦૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
- આ સિવાય મેટ્રીબ્યુઝીન ૦.૫% (૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા મેટસક્યુરોન ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા ક્લોરીબ્યુરોન ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરી શકાય.
- પાક વિસ્તારમાં જે તે પાકમાં ભલામણ થયેલ દવાઓ જેવી કે એટ્રાઝીન, સીમાઝીન, એલાક્લોર, બ્યુટાક્લોર, ડાયુરોન, નાઈટ્રોન વગેરે પાક અને નીંદણ ઊગ્યા પહેલાં છાંટવાથી ગાજરઘાસનું રથી ૫ મહિના સુધી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
- પડતર વિસ્તારમાં ગાજરઘાસનું પ્રતિસ્થાપન કરવા કુવાડીયો, સરપંખો, આવળ, ગલગોટાનું વાવેતર કરવું.
સાભાર ડો. આર.કે. માથુકીયા