ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક  આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે. તેમાં બીજ ઉત્પાદન થાય છે, તેના  પ્રસર્જન માટે બીજનું મહત્ત્વ નથી. પિયત ખેતી પાકોમાં તેમજ ફળ પાકોના બગીચાઓમાં ધરોનો પ્રશ્ન વિકટ બન્યો છે. 

ઉનાળામાં ઊંડી ખેડ કરી ધરોની મૂળગાંઠો સૂર્યના તાપમાં ખુલ્લી કરવાની રીત ખૂબ જ અસરકારક છે. ખુલ્લી થયેલ ગાંઠોને સૂકાતાં ૭ થી ૧૪ દિવસ લાગે છે, ત્યાર બાદ બીજી ખેડ કરવી. ખેડ કરતાં પહેલાં ડાલાપોન, ટીસીએ, ડાયુરોન, ગ્લાયફોસેટ, એમીટ્રોલ-ટી અને યુરેસીલ જેવી નીંદણનાશક દવાઓથી ધરોના નિયંત્રણમાં સુધારો થાય છે. આ દવાઓ ધરોની મૂળગાંઠો સુધી પરિવહન થઈ પહોંચતી હોવાથી લાંબા સમય સુધી અને સંપૂર્ણપણે નિયંત્રણ થાય છે. જો કે આ દવાઓના વપરાશથી પાછલા પાકની પસંદગી મર્યાદિત બને છે. ગ્લાયફોસેટ અને એમીટ્રોલ-ટી જમીનમાં અતિ અલ્પ સમય માટે કાર્યરત હોવાથી પાક પસંદગી વિસ્તૃત કરી શકાય. ધરોની ૩-૪ પાન અવસ્થા એ ગ્લાયફોસેટ દવા ૧૨૦ મિ.લિ. તથા ૧૦૦ થી ૧૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ  કે યુરીયા ૧૦ લિટર પાણીમાં ઓગાળી નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં પેરાક્વોટ અને ડાયક્વોટ એકદમ યોગ્ય દવાઓ છે. આ દવાઓ બિનઅવશેષિત છે અને ૧૫-૨૦ દિવસમાં ધરોને સૂકવી નાખે છે. ઉનાળામાં ખેડ કરતાં પહેલાં એક અઠવાડિયાના ગાળે. બે વખત આ દવાઓનો છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે. બે થી ત્રણ વર્ષ આ રીતે પ્રયત્નો કરવાથી ધરોના ઉપદ્રવને નબળો કરી શકાય . પાક પદ્ધતિમાં પહોળા અંતરે વવાતાં પાકોનો સમાવેશ કરી વારંવાર આંતરખેડ કરવી. પાક પરિસ્થિતિમાં ધરોના ગુડા હોય ત્યાં પાક મુજબ ડાલાપોન, ગ્લાયફોસેટ, એમએસએમએ,  ડીએસએમએ, વગેરે દવાઓની માવજત આપવી.

સાભાર ડો. આર.કે. માથુકીયા

 37 total views,  1 views today

Related posts