નોળી (Convolvulus arvensis) નિંદણ

નોળી (Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે મૂળ તેમજ બીજ દ્વારા થાય છે. બીજ ખૂબ જ લાંબી સુષુપ્ત અવસ્થા ધરાવે છે. એક બદતુમાં મૂળના કટકા દ્વારા તે ૩ મીટરના ઘેરાવામાં ફેલાઈ શકે છે. નોળી અર્ધસૂકાં વિસ્તારમાં ખેડાણ, બગીચા તથા બિનખેડાણ વિસ્તારમાં થાય છે. ઘઉં, કપાસ, તુવેર, દિવેલાં, બટાટા અને શેરડીના પાકમાં વધારે થાય છે. વેલાવાળું નીંદણ હોવાથી પાકના છોડને બાંધતું હોઈ, પાકની કાપણીમાં નડતરરૂપ બને છે.

નીંદણનાશક દવાથી અથવા હાથ નિંદામણ કે આંતરખેડથી નોળીના છોડનો નાશ થઈ શકે છે. પરંતુ મૂળ ઊંડા હોઈ, તેના ક્ટકામાંથી ફરી નવો છોડ ઉત્પન્ન થાય છે. અત્યારે આપણાં વિસ્તારમાં કપાસનું મોટાપાયે વાવેતર થાય છે. નોળી પણ કપાસની જેમ પહોળા પાન ધરાવતું નીંદણ હોઈ, કોઈ પણ નીંદણનાશક દવા ખાસ કરીને ૨,૪-ડી દવા છાંટી શકાતી નથી, જે નોળી માટે અક્સીર છે. તેમ છતાં સંકલિત ઉપાયોથી નોળીને કાબૂમાં રાખી શકાય છે.

ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીન તપાવવી. મૂળીયા ભેગા કરી નાશ કરવો. પડતર જમીનમાં દર ૧૫-૨૦ દિવસે ખેડ કરી નોળીના છોડનો નાશ કરવો.

બાજરો, મકાઈ, જુવાર, ઘઉંનું વાવેતર કરી ૩૦ ૩૫ દિવસે ૨,૪-ડી (સોડીયમ સોલ્ટ) ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. આજુબાજુમાં કપાસનું વાવેતર કરેલ હોય કે હવે પછી કપાસનો પાક લેવાનો હોય તો ૨,૪-ડી દવા છાંટવી નહીં.

સાભાર ડો. આર.કે. માથુકીયા

 52 total views,  1 views today

Related posts