
કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની જીવાત પણ પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાનુ ફિક્કા પડી જાય છે. ઉપદ્રવ વધે તો પાનની નીચેના ભાગે કરોળિયાના જાળા જેવી રચના જોવા મળે છે. ઉપદ્રવિત પાનની ઉપરની સપાટીએ પીળા ધાબા જોવા મળે છે.
કપાસના પાકમાં અપરીપક્વ પાન ખરી પડવાનો પ્રશ્ન સામાન્ય છે. સફેદમાખી, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી જીવાતોનો વધુ પડતો ઉપદ્રવ તથા ખૂણિયાં ટપકાં, સૂકારો, મૂળખાઈ, બળીયાં ટપકાં તથા દહિયૉ/છાસિયો જેવા રોગાને લધી પાન ખરી પડતા હોય છે. મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે બળિયાં ટપકાંનો રોગ જોવા મળતો હોય છે. તેને લીધે પુષ્કળ પ્રમાણમાં પાકટ અને નીચેના પાન ખરી પડે છ. આવા કિસ્સામાં તેને માટે જવાબદાર જે તે જીવાત કે રોગને ઓળખી યોગ્ય પગલાં લેવા હિતાવહ છે.