
કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે ભલામણ ન હોવા છતાં ખેડૂતો કીટનાશક સાથે ફૂગનાશક, વૃદ્ધિ નિયંત્રક કે પ્રવાહી ખાતર મિશ્ર કરી છંટકાવ કરવાથી આવા રસાયણની આડ-અસરથી કપાસના પાન લાંબા, બરછટ અને વિકૃતિ પામેલ જોવા મળે છે. ઘણી વખત નીંદણનાશકનો છંટકાવ કર્યા બાદ સ્પ્રેયર (પંપ)ની ટાંકી, નોઝલ અને હોઝપાઈપ બરાબર સાફ કર્યા ન હોય અને તેનો ઉપયોગ કીટનાશક કે ફૂગનાશકનો છંટકાવ કરવા માટે કરવામાં આવે તો પણ છોડ પર તેની વિપરિત અસર જોવા મળે છે. ભલામણ કરતાં વધુ સાંદ્રતાએ કોઈ કૃષિ રસાયણનો છંટકાવ કરવાથી અથવાતો લાંબો સમય પડી રહેલ અને વપરાશની અવધિ વીતી ગયા પછી તેનો ઉપયોગ કરવામાં આવે તો પાન પર તેની વિપરિત અસર જોવા મળે છે.