
સૂકારા અને મૂળખાઈ રોગમાં છોડ સૂકાય છે. દેશી કપાસની જાતોમાં જમીનજન્ય ફૂગથી થતા સૂકારાના રોગમાં છોડ ધીમે ધીમે સૂકાય છે. આ સૂકારો નીચેથી ઉપરની ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધુ હોય તો પાન ખરી પડે છે.
આવા રોગિષ્ઠ છોડ જમીનમાંથી સહેલાઈથી ખેંચાઈ આવતો નથી. રોગિષ્ઠ છોડના થડને અને મૂળને ઊભુ ચીરીને જોતાં રસવાહીનીઓ બદામી અથવા કાળા રંગની જોવા મળે છે. ભારે કાળી ભાસ્મિક જમીનમાં આ રોગ જોવા મળે છે. મૂળખાઈ (મૂળનો સડે) રોગના લક્ષણો સૂકારાથી થોડા અલગ છે. તેમાં છોડ એકાએક ચીમળાઈ જાય છે અને ખેતરમાં રોગ ગોળાકાર (કૂંડીના રૂપમાં) સૂકાતા આગળ વધે છે. આવા રોગિષ્ઠ છોડના પાન ખરતા નથી પરંતુ છોડ પર ચીમળાયેલ પરિસ્થિતિમાં લટકી રહે છે. રોગિષ્ઠ છોડના મૂળ સડેલા જોવા મળ છે. તેથી રોગિષ્ટ છોડ જમીનમાં સહેલાઈથી ખેંચી શકાય છે. જમીનનું તાપમાન ઊંચુ હોય ત્યારે આ રોગની શક્યતા વધુ જણાય છે. આવુ ઊંચુ તાપમાન ખાસ કરીને ઓતરા-ચીતરાના નક્ષત્રમાં જોવા મળે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની ગોરાડું અને રેતાળ જમીનમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે કાળી જમીનમાં તેનું પ્રમાણ નહિવત જણાય છે.