
લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ તથા જમીન પર રહે છે. લણણી વહેલી કરવામાં આવે તો સંગ્રહ વ્યવસ્થા દરમ્યાન ગુણવત્તા નબળી પડે છે. જયારે મોડી લણણી કરાય તો અંકુર ફૂટી જાય અને ગુણવત્તા સારી ન રહે. જમીનમાંથી લસણને પાન સાથે ઉપાડવું અને તેની નાની નાની ઝુડીઓ બનાવી તે સીધી હારમાં ગોઠવી બે દિવસ સુધી ખેતરમાં રાખ્યા બાદ ઝુડીઓને છાંયાવાળી જગ્યામાં પાસ પાસે ઊભી ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ લસણના કંદ ઢંકાય જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આમ કરવાથી વધારેનું પાણી સૂકાઈ જાય છે અને કંદ નકકર થાય છે. ત્યારબાદ ૨૦ થી ૩૦ દિવસે કંદ ઉપરના પાન ૨.૫ થી ૩.૦ સે.મી.નું ડીટું રાખી કાપવામાં આવે છે. તેમજ કંદની નીચેના તંતુમૂળ દૂર કરવામાં આવે છે.