
અવરોઘક ઉપાયો :
નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેમ છેઃ
૧. નીંદણના બીજથી મુકત શુધ્ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
૨. સારા કોહવાયેલ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો. પશુઓએ ખોરાકમાં લીધેલ નીંદણના બીજ સ્ફૂરણશક્તિ ગુમાવ્યા સિવાય છાણમાં બહાર આવે છે. જો તેને બરાબર કોહડાવવામાં ન આવે તો તે બીજની સ્ફૂરણશક્તિ નાશ થયા સિવાય ખેતરમાં દાખલ થાય છે. આથી સારા કોહવાયેલ સેન્દ્રિય ખાતર તથા ક્પોસ્ટનો ઉપયોગ ખાતર તરીકે કરવો.
૩. જાનવરોને પાકટ નીંદણના છોડ, ખોરાકમાં નીંદણના બીજની સ્ફૂરણશક્તિનો નાશ કર્યા પછી જ ખવડાવવાં. દા.ત. સાઈલેજ કરવાથી નીંદણની સ્ફૂરણશક્તિ નાશ પામે છે.
૪. જાનવરોને નીંદણગ્રસ્ત વિસ્તારમાંથી નીદણમુકત વિસ્તારમાં જતા અટકાવવા. દા.ત. ગાડરનું જાનવરો દ્વારા પ્રસરણ
૫. જે સ્થળ પર નીંદણનો ઉપદ્રવ થયેલ હોય તે સ્થળની માટીનો ઉપયોગ નીંદણમુકત ખેતરમાં ન કરવો.
૬. પાણીની નીકો અને ઢાળિયા નીંદણમુકત રાખવા.
૭.ખેતઓજારોનો નીંદણગ્રસ્ત વિસ્તારમાં કામ કર્યા પછી સાફ કરી ઉપયોગ કરવો.
૮. ખેતરમાં ખળાની જગ્યા તેમજ આજુબાજુની જગ્યા નીંદણમુકત રાખવી.
૯. ધરૂ કે છોડના અન્ય ભાગોની રોપણી પહેલા ચકાસણી કરી નીંદણમુકત કર્યા બાદ ફેરરોપણી કે રોપણી કરવી.
૧૦. ખેતરના ખૂણાઓ, વાડની આજુબાજુ તેમજ અન્ય બિનપાક વિસ્તારો નીંદણમુકત રાખવા.