
નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી હોવી જોઇએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણા દેશમાંથી વિદેશ મોકલવામાં આવતી ખેત પેદાશોમાં ક્યારેક જંતુનાશકોનું પ્રમાણ વધારે હોવાના કારણે સામગ્રી પરત આવેલાના બનાવ પણ બનેલ છે. આવુ ન થાય તે માટે ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં જુદા-જુદા જંતુનાશકોના છંટકાવ અને લણણી વચ્ચેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. જેથી ખાદ્ય ચીજોમાં જંતુનાશકોના અવશેષો રહેવાની શક્યતા નહિવત જેવી થઇ જાય છે અને આ સમયગાળાને સલામત ગાળા તરીકે ઓળખાય છે.