
ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી. ત્યાર બાદ ધરૂવાડિયાની જમીન પર પારદર્શક ૧૦૦ ગેજ (૨૫ માઇક્રોન) એલ.એલ.ડી.પી.ઇ. પ્લાસ્ટિક પાથરી, પ્લાસ્ટિકની ધારો બધી બાજુએથી દાબી દેવી. આ પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસ સુધી પ્લાસ્ટિક ઢાંકી રાખવું.
જાે સોઇલ સોલારાઇઝેશન કરી ન શકાયેલ હોય તો જૂન માસ દરમિયાન પિયત આપી, વરાપ થયે ખેડ કરી તેના ઉપર નકામુ ઘાસ, બાજરીના ઢૂંસા, તમાકુના રાડીયા, ઘઉંનું ભૂસું વગેરે ૭ કિ.ગ્રા. પ્રતિ ચોરસ મીટર મુજબ પાથરી પવનની વિરૂદ્ધ દિશાએથી સળગાવવું (રાબીંગ). ત્યાર બાદ સેન્દ્રિય ખાતર ઉમેરી વાવણી માટે ધરૂવાડિયું તૈયાર કરવું. રોગ દેખાય ત્યારે એઝોક્સિસ્ટ્રોબીન ૨૩ એસસી 15 મીલિ અથવા ફેનામીડોન ૧૦% મેન્કોઝેબ ૫૦% વેપા 60 ગ્રામ 15 લિટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૬૮ વેપા ઝારાથી રેડવું અથવા ૦.૬ ટકા બોર્ડો મિશ્રણનું દ્રાવણ ઝારાની મદદથી પ્રતિ ચોરસ મીટરે બે લિટર મુજબ આપવાથી આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય છે.