
એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો મુખ્ય તત્વો અને ગૌણ તત્વોના વપરાશનું સમતોલપણું રહેવા પામે. જમીનની ઉત્પાદકતા જળવાઇ રહે. પાક ફેરબદલીના લીધે રોગ-જીવાતમાં રાહત રહેશે એટલે દવાદારુ એટલા ઓછા જોઇશે. વળી ધરતીના પડમાંથી બધાં સત્વો સપ્રમાણ ખેંચાશે. પરિણામે કસઘટનું ખાતર એટલું ઓછું ઉમેરવું પડશે, અને રાસાયણિક ખાતરો એટલા ઓછાં ખરીદવા પડશે, ઉપજમાં એકધારાપણું જળવાશે એટલે ખેતી કંઇક રળતી જણાશે-જીવંત બનશે