સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય
અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી પાસે સારા નિતારવાળી જમીન અને પૂરતું પાણી હોય તો કેળ,પપૈયા,દાડમ,આંબા,ચીકુ જેવા ફળપાકોને ભાગીદારી દેવાય. જો આપણી પાસે મધ્યમ પ્રકારની જમીન અને ઓછા પાણીની સોઇ હોય તો આમળા, જમરૂખી, સીતાફળી, બોરડી, સરગવા વવાય . વધારાની નહીં જમીન રોકવાની, કે નહીં ખાસ માવજત કરવાની છતાં વાડી ફરતેની વાડ, રસ્તાની ધાર,કે તળાવડીની પાળ જેવી પણ જગ્યા આપવાની તૈયારી હોય તો ગુંદા,ગુંદી,ખલેલાં, સરગવા,સીતાફળી, કરમદી,દેશી આમલી,ગોરસ આમલી,ગુગળી,અરીઠી જેવા વાડીની વીંડબ્રેક બની બહારથી આવતી ધગધગતી લૂ અને તોફાનીવાયરાને ખાળી અંદરના મોલને સલામતિ બક્ષવા ઉપરાંત કંઇકને કંઇક આપી જાણવાની ત્રેવડવાળા છે, તે બધાને શોધી શોધી આશરો અપાય.