
ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો યોજવા જોઈએ. પાકની શરૂઆતની અવસ્થામાં ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે. તેથી તેને પાયાના ખાતર તરીકે પાકની વાવણી કે રોપણી પહેલા આપવામાં આવે છે. કપાસ અને ડાંગર જેવા પાકમાં દર વર્ષે ફોસ્ફરસ તત્વ આપવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં હજુ આજની તારીખે પણ ઘણા ખેડૂતો આ બન્ને પાકમાં ફોસ્ફરસયુક્ત ખાતરનો સારો એવો જથ્થો વાપરે છે. તે દુ:ખદ છે. આ પ્રમાણે આપેલ વધારાનો ફોસ્ફરસ જમીનમાં સ્થાયી થઈ જાય છે. જેથી પાક તેને લઈ શકતો નથી તેને દ્રાવ્ય કરતા ફોસ્ફો સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા (PSB)નો ઉપયોગ કરતા પાકને જરૂરી ફોસ્ફરસ લભ્ય થઈ શકે છે. જમીનમાં નમૂનાનુ રસાયણિક પૃથક્કરણ કરતા જો ફોસ્ફરસ તત્વની ઊણપ જણાય તો જ તેની ઊણપ દૂર કરવા ફોસ્ફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે