
આપણે શું ખરીદવા જઈએ છીએ તેનો બરાબર મક્કમતાથી નિર્ણય નહીં કર્યો હોય તો એગ્રોની દુકાનવાળા તેમણે ધારેલું- જે વેચવાની ગણતરી રાખેલી હોય તે જ બીજ આપણને પધરાવી દેવામાં સફળ થશે ! માટે લેવા ગયા હોઇએ એક અને બીજું જ લઈને દૂકાનના પગથિયાં ઉતરીએ એવું ન બને તેવું ખાસ જોવું જોઇશે. એટલે કે બિયારણ હંમેશા વિશ્વાસુ એજંસીઓ પાસેથી જ ખરીદીએ. ખરીદવા જતાં પહેલાં કઈ જાતનું અને કેટલા બિયારણની આપણે જરૂરિયાત છે ? તેની બરાબર ગણતરી કરીને પછી જ એગ્રોના પગથિયાં ચડીએ . બજારમાં તો ઘણુંયે મળતું હોય છે. પણ આપણી જમીન, પાણી, પર્યાવરણ, જરીરિયાત અને ખિસ્સાની પહોંચને લક્ષમાં રાખીને જ બીજ ખરીદવાનો આગ્રહ રાખીએ. છૂટું બીજ ક્યારેય ન ખરીદીએ.પેક, સીલ-લેબલવાળી અને સર્ટિફાઈડ થયેલ થેલીબંધ બીજ જ ખરીદવાનો આગ્રહ રાખીએ, ઓફ ડેટ થયેલું બીજ કદી ન ખરીદીએ.