સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર (Repellent)કેમીકલ સીવાયની પ્રચલીત પધ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે. પરંતુ આ બધી પધ્ધતિઓમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. આવા વખતે દવા છાંટવાની સામાન્ય પધ્ધતિઓથી અલગ Slow Fluid Release (SFR) સીસ્ટમ કે જે ગુરુત્વાકર્ષણ બળને કારણે કામ કરે છે, તેવી પધ્ધતિથી ઇઝરાયેલમાં ફળમાખીનું નિયંત્રણ કરવામાં આવે છે.

ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બાયોફીડ
વરસાદની સીઝન શરુ થતા વેત જ ફળોનાં રાજા એવા કેરીનાં એક બગીચાની મારી મુલાકાત દરમ્યાન અડધાથી ઉપરની પાકે વરેલી કેરીઓ કાંતો બગડી ગયેલી અથવા ખરી પડેલી જણાઇ. જેનાં માટેનું મુખ્ય કારણ હતુ ફળમાખી (Fruit Fly),ખેડુતને પણ આ બાબતની જાણ હતી. કેરીનાં ભાવો જેમ-જેમ સીઝન શરૂ થતા પહેલા વધારે હોય છે, તેવી જ રીતે વરસાદ બાદ અમુક દિવસો સુધી કેરીનાં પાછોતરા ફાલથી પણ ખેડુતોને ભાવમાં લાભ મળતો હોય છે, પરંતુ આ સમયે ખેડુતોને સૌથી વધુ ભય સતાવે છે ફળમાખીનો. ચારેક વર્ષ પહેલા કર્ણાટકમાં’તોમેં રોડની બન્ને સાઇડ ખેડુતોએ કેરીનાં ઢગલે-ઢગલા ફળમાખીના કારણે ફેંકી દીધેલા જોયેલા. ફળમાખી કેરી સીવાય જામફળ, દાડમઅને ખારેક જેવા સખત પાકોમાં પણ હવે આવતી થઇ ગઇ છે. જે ૧૦% થી માંડી ૯૦% સુધીનું ઉત્પાદનમાં નુકશાન કરતી હોય છે. એક અનઅધિકૃત અહેવાલને માનીએ તો ખાલી ગુજરાતમાં જ બાગાયતી પાકોમાં વર્ષે અંદાજે દોઢસો કરોડ રૂપીયાની નુકશાની ફક્ત ફળમાખીનાં કારણે જ થાય છે. પરંતુ આ માખી આવી ગયા બાદ મીથાઇલ યુજીનોલ ટ્રેપ સીવાયનાં મોટાભાગનાં નિયંત્રણનાં પગલાઓ કેમીકલથી થાય છે જેમાં ફળોની ઉપર છંટકાવ થતો હોવાથી તે માનવજાતને નુકશાન કરે છે, આથી ખેડુતોને ફળમાખીનું નિયંત્રણ કરવુ ખુબ અઘરૂ બને છે. મારા ઇઝરાયેલ પ્રવાસ દરમ્યાન અમારે એક એવી કંપનીની મુલાકાત થઇ હતીજે ફળમાખીનાં નિયંત્રણ માટે જ કામ કરે છે, તેની યાદો વાગોળતા ઇઝરાયેલની બાયોફીડ (Biofeed) કંપની વિશે આંબાવાડીનાં ખેડુત સાથે લંબાણ પુર્વક ચર્ચા થઇ, તે વાતોનાં મુખ્ય અંશો આપ વાચકોને જરુર કઇક નવી માહીતી પુરી પાડશે.
સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર (Repellent)કેમીકલ સીવાયની પ્રચલીત પધ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે. પરંતુ આ બધી પધ્ધતિઓમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. આવા વખતે દવા છાંટવાની સામાન્ય પધ્ધતિઓથી અલગ Slow Fluid Release (SFR) સીસ્ટમ કે જે ગુરુત્વાકર્ષણ બળને કારણે કામ કરે છે, તેવી પધ્ધતિથી ઇઝરાયેલમાં ફળમાખીનું નિયંત્રણ કરવામાં આવે છે. પ્રવર્તમાન સામાન્ય નિયંત્રણની ટેક્નોલોજીથી અલગ જ આ ટેક્નોલોજીમાં સાહીનાં ખળીયા જેવી ડબલીમાં સાહી જેવા જ કલરનું લીક્વીડ ભરેલુ હોય છે. આ લીક્વીડમાં લ્યુર અને બીજા એડીટીવ્સ આવેલા હોય છે.
આવા એડીટીવ્સમાં ફળમાખીનાં ખોરાકી પદાર્થો, ઉત્તેજકો, ફળમાખીને મારવા માટેનાં રસાયણો વિગેરે આવેલા હોય છે. આ સાહીનાં ખળીયા જેવી બોટલને પીળા કલરનાં નોન-વુવનનાં ચોરસ કાપડનાં ટુકડામાં ઉંધી મુકી શકાય તે રીતે ગોઠવવામાં આવે છે. જેમાં ગુરુત્વાકર્ષણ બળથી ધીમે-ધીમે બોટલમાંનુ પ્રવાહી ટીપે-ટીપે વહે છે, જેનો દર ૦.૧ ગ્રામથી ૧.૦ ગ્રામ પ્રતિ દિવસ પ્રમાણે હોય છે. જો વહી ગયેલ પ્રવાહીને ટાર્ગેટ જીવાત દ્વારા ઉપયોગમાં ના લીધુ હોય તો આ પ્રવાહી નીતરીને ટ્રેપની નીચેનાં ભાગે લગાડેલા લાલ કલરનાં કોટનનાં ગોળ કાપડમાં લાંબા સમય સુધી સચવાય રહે, તેવી સરસ અને એકદમ સાદી વ્યવસ્થા આ ટ્રેપમાં હોય છે. કારણકે આ સમગ્ર પ્રક્રીયા ગુરુત્વાકર્ષણ બળનાં સીધ્ધાંતને અનુસરે છે, એટલે પ્રથમ દિવસથી બોટલ ખાલી થવાનાં દિવસ સુધી એક સરખા ભાગે જ પ્રવાહી બોટલમાંથી બહાર નીકળે છે, જે એક વર્ષથી પણ વધુ સમય સુધી ચાલે છે.

Environmental Consideration for an Innovative Sustainable Agricultural Development નામે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોંફરન્સમાં અંદાજે ૪૫ (પીસતાલીસ) દેશોનાં દોઢસો’ક તાલીમાર્થીઓને ઇઝરાયેલમાં વપરાતી ફળમાખી નિયંત્રણની આ નવિનતમ ટેક્નોલોજી વિશેના પ્રેઝન્ટેશન દરમ્યાન ડો. નિમરોડ ઇઝરાયેલી, કે જે બાયોફીડ લીમીટેડનાં મેનેજીંગ ડીરેક્ટર છે તેઓ અમને બાયોફીડ વિશે ઉપર મુજબની સમજ આપતા હતા. વધુમાં ડો. નિમરોડ પોતાનાં શંશોધનોનાં પરીણામોની વાત કરતા જણાવતા હતા કે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૦ દરમ્યાન સમગ્ર ઇઝરાયેલમાં બારસો’ક (૧૨૦૦) હેક્ટરનાં ૫૬ જેટલા બગીચાઓમાં બાયોફીડનાં અખતરાઓ ગોઠવેલ. જેમાં કેરી, સીટ્રસ (લીમ્બુ, સંતરા, મોસંબી), સફરજન, પીચ, ઓલીવ્સ વિગેરેનાં બગીચાઓમાં તેમને ફળમાખીનું ૯૪% થી ૯૯% જેટલુ નિયંત્રણ જોવા મળેલ. આ બાબતે અમે બીજી કાઈ ચર્ચા કે પ્રશ્નો કરીએ તે પહેલા બાયોફીડનાં બીઝનેશ મેનેજર શ્રીમાન ડોટાન પેલેગમારા ગુજરાતી હોવાનું પાકુ થયા બાદ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઇઝરાયેલ મુલાકાત દરમ્યાન પોતે તેમને પણ મળ્યા હોવાનું ફોટોગ્રાફ્સ બતાવતા કહેવા લાગ્યા કે “મીસ્ટર રૂપાની ઓલ્સો ઇમ્પ્રેસ એન્ડ વન્ડર વિથ અવર ટેક્નોલોજી”. ફોટોગ્રાફ્સ જોઇને મનેમારા ગુજરાતની યાદ વધુ ઘેરી બની અને છેલ્લા ઘણા દિવસો થ્યા ઘરનું ખાણુ જ મળ્યુ નથી, તેવી યાદે એક ક્ષણે તો મારી આંખનાં ખુણા ભીના કરી નાખ્યા. “દુનીયાનો છેડો ઘર” એ પંક્તિ તે દિવસે ખરેખરી અનુભવી. ધ્યાનભંગ કર્યાની મુદ્રામાં મી. પેલેગ વધુ જણાવવા આતુર હતા, તેમણે જણાવ્યુ કે ભારતનાં કર્ણાટક રાજ્યમાં અમે અમારી આ પ્રોડકટ ઓલરેડી ઇમ્પ્લીમેન્ટ કરી છે જેનાં ખુબ સારા પરીણામો મળ્યા છે અને હવે અમે ગુજરાતમાં પણ આ દિશામાં આગળ વધવા માંગીએ છીએ. તો આપ અમારી આ પ્રોડક્ટ ગુજરાતનાં ખેડુતો વાપરે તે માટે શુ કરી શકો છો?.
મી. પેલેગ, પ્રોડક્ટ તો આપની ખુબ જ રસપ્રદ અને મારા ગુજરાતનાં બાગાયતદારોને ઉપયોગી થાય તેવી છે, પણ… મારા “પણ” માં પેલેગ લગભગ બધુ જ સમજી ગ્યા અને મુંછમાં હસતા બોલ્યા કે અંદાજે ૧૨૦૦ (બારસો) રૂપીયાની એક ટ્રેપ. અને હેક્ટરે કેટલી જોઇએ? ફક્ત દસ.! – મારા તાત્કાલીક પ્રશ્નનો ટુંકો જવાબ આપતા પેલેગ બોલ્યા. પરંતુ આપની પ્રોડક્ટ ગુજરાતમાં કેવુ રીઝલ્ટ આપે છે તે “ડેમો” આપો તો માનીએ. આપ તૈયાર થાઓ તો અમે ગુજરાતમાં પણ પ્રોડક્ટ વ્યવસાયીક દ્રષ્ટીએ મોકલવા તૈયાર છીએ, મેં આપને અગાઉ કહ્યુ તે મુજબ કર્ણાટક રાજ્યમાં તો અમારી પ્રોડક્ટ વપરાય જ છે, પેલેગે ફરી મારા પ્રશ્નનો તાત્કાલીક જવાબ આપ્યો. મી. પેલેગનો વેપાર કરવાનો ઉમળકો જોઇને મને ખુબ આનંદ થયો. મારા પક્ષે જંતુનાશક દવાની કંપની ચલાવતા ત્રણેક મીત્રોને આ બાબતે સંપર્ક સધાવ્યો અને હજી પણ હું પ્રયત્નશીલ છુ. અહિયાં બોટલમાં ભરેલું લીકવીડ ફળમાખીઓને આકર્ષે છે અને આ આકર્ષણમાં ટ્રેપનો પીળો રંગ પણ ભાગ ભજવે છે. આકર્ષાયેલ માખીઓ આ પ્રવાહી ઉપર ખાવા મજબુર બને છે અને તે ખાવાથી ફળમાખીઓ મરી જાય છે, આ મુજબની કાર્ય પધ્ધતિથી બાયોફીડ નામક આ ટ્રેપ કામ કરે છે. જે આપણી ફળમાખીની ફેરામોન ટ્રેપ ને થોડી સમાન કાર્યપદ્ધધ્તી જ છે પરંતુ અહિયાં જે એડીટીવ્સ વપરાય છે તે નિયંત્રણમાં ખુબ મોટો ભાગ ભજવે છે.
છુટા પડતા પહેલા હળવાશની પળોમાં મી. પેલેગને આગ્રહ સાથે વિનંતી કરી કે આપ ખાલી આ બોટલનાં લીક્વીડમાં શું ભરો છો, તે જણાવી દ્યો’ને એટલે મારા ગુજરાતી ભાઇઓ બીજુ બધુ તો આપમેળે ઝીલી લેશે!. આંબાવાડીનાં માલીક ખેડુત પણ પોતાને ફળમાખીનાં હીસાબે વેઠવી પડેલી નુકશાની ભુલી જઇ, મારી સાથે જેમ એક કથાકારની કથામાં શ્રોતાઓ પરોવાય તેવી રીતે ઇઝરાયેલની વાતોમાં પરોવાય ગ્યા. સમયનું ભાન થતા જ ખેડુતનાં અતિ આગ્રહ છતા અનિચ્છાએ અમે આંબાવાડીએ થી વિદાય લીધી પણ ખેડુતને આ ટેક્નોલોજી અપાવવાનું વચન પુર્ણ કરવા હું આજે પણ પ્રયત્નશીલ છું. વ્યાપારી ભાઇઓ પણ આ દિશામાં આગળ આવે કારણ કે ફળમાખી નિયંત્રણ માટે મુખ્યત્વે આ જ ટેક્નોલોજી ઇઝરાયેલમાં વપરાય છે અને આંબા, દાડમ, જામફળ, ખારેક વિગેરે જેવા આપણા ગુજરાતનાં બહુમુલ્ય ધરાવતા ફળપાકોમાં વર્ષે વિઘે બે’ક હજારનો ખર્ચ ખેડુતોને પોષાય તો ફળમાખી નિયંત્રણ કરવા આ ટેક્નોલોજી કારગત નિવડે તેમ છે…























