

ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ તરીકે વાપરે છે. સારી ગુણવત્તાવાળું બીજ વધુ ઉગાવો આપે છે. શેરડીના પાકની ઉંમર, ઊભેલ પાકની પરિસ્થિતિ, જાતીય શુધ્ધતા તથા રોગ-જીવાત જેવી બાબતો શેરડીના બિયારણની ગુણવત્તા પર આધાર રાખે છે. શેરડીના સાંઠાની ઉપરના ભાગમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે તથા સુકોઝનું પ્રમાણ ઓછું હોવાના કારણે ઉગાવો વધારે મળે છે તદુપરાંત શેરડીના ઉપરના ભાગમાની આંખો પણ જીવંત અને વધારે તંદુરસ્ત હોવાના કારણે ઉગાવો ઝડપી અને જુસ્સાવાળો થાય છે. તેથી શેરડીના બિયારણ માટે શેરડીના સાંઠાનો ઉપરનો ૨/૩ જેટલો ભાગ વાપરવો વધુ લાભદાયક છે. શેરડીના બિયારણ માટે કુલ વિસ્તારના દસમા ભાગમાં બિયારણ પ્લોટ બનાવીને ૮ થી ૧૦ માસની શેરડીનો બિયારણ તરીકે ઉપયોગ થવો જોઈએ. ૮ થી ૧૦ માસની શેરડીમાં સુક્રોઝનું લેવલ ઓછું હોવાના કારણે ઉગાવો ઝડપી તથા જુસ્સાવાળો મળે છે. શેરડીના પાકમાં અન્ય પાકોની માફક પધ્ધતિસરના બીજ વૃધ્ધિ કાર્યક્રમ લેવામાં આવતો નથી. શેરડીનો બીજ દર વધુ છે (૬-૭ ટન/હે) તેથી લાંબા અંતરની હેરાફેરીમાં સાંઠાની આંખોને નુકસાન થાય અને અગવડતા ઊભી થાય છે. તેનાથી બચવા ખેડૂતોએ પોતાની જરૂરિયાતનો બીજ જથ્થો જાતે જ પેદા કરવો હિતાવહ છે.













