
ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં કૃષિના કામો સમયસર પૂરા કરવા માટે યાંત્રિકરણની જરૂરિયાત ઊભી થયેલ છે. જોકે આપણા ખેડૂતો પાસે ખેતરોના નાના નાના એકમો થઈ રહેલા છે. આ સંજોગોમાં ખેડૂતમિત્રોએ જરૂરિયાતને ધ્યાને રાખી કૃષિ યંત્રોનો સામૂહિક અને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જરૂરી છે. યંત્રોની કાર્યક્ષમતાને ધ્યાને રાખીને ખેતીમા યાંત્રિકરણ કરવાથી ઓછા ખર્ચે ખેતી કાર્યો ઝડપથી અને સમયસર પૂરા કરી શકાય છે. આ રીતે ખેતી ખર્ચ ઘટવા સાથે સાથે યોગ્ય ગુણવત્તા પણ મળે છે જેથી સારા ભાવ મેળવવામાં સરળતા રહે છે. નાના અને સીમાંત ખેડૂતો સ્વયં સંચાલિત અને મોટા કૃષિ ઓજારોને અપનાવે તે માટે કસ્ટમ હાયરિંગ સેન્ટરો વિકસિત કરવાની જરૂરિયાત છે. બટેટા ઉત્પાદક ખેડૂતો જો ‘બટેટા ગ્રેડિંગ મશીન’નો ઉપયોગ કરે તો ૪૦-૬૦% સુધી વધુ ભાવ મેળવી શકે. ઉપરાંત, નીંદામણ માટે વિકસિત યાંત્રિક સાધનોનો ઉપયોગથી ખેતી ખર્ચમાં બચત થાય છે આ સાથે સાથે રોગ જીવાતનો ઓછો ઉપદ્રવ થવાથી ગુણવત્તા સહ ઉત્પાદન મળે છે.


























