
આજે ભાગ્યે જ એવો કોઈ પાક હશે કે જેમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ થતો ન હોય. સમયસર ખેડ, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો, રાસાયણિક ખાતરો અને પિયત ઉપરાંત પાક સંરક્ષણ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. દુનિયાભરમાં આશરે ૪૦% જેટલો અનાજનો બગાડ રોગ-જીવાત અને કૃમિથી થાય છે જે પૈકી લગભગ ૧૨% જેટલો ફાળો ફકત કીટકોનો છે. ખેતી પાકોમાં કીટકોથી થતું મોટા ભાગનું નુકસાન તેમની ખોરાક મેળવવાની પ્રવૃતિને આભારી છે. કીટકના મુખાંગ પાકના વિવિધ ભાગોને કાપીને ખાઇ શકે તેવા પ્રકારના હોય છે. પરંતુ કીટકોની ઉત્ક્રાંતિ થતા તેમના મુખાંગ પાકના ફૂલ, ફળ, મૂળ વગેરેમાંથી તથા બીજા કીટકોના શરીરમાંથી રસ ચૂસી શકાય તે માટે ભિન્ન ભિન્ન રીતે વિકસ્યા છે.
કીટકોના નાશ માટે વપરાતા કીટનાશકો પૈકી કેટલાક સ્પર્શજન્ય ઝેર તરીકે ઓળખાય છે. જયારે કેટલાક પેટના ઝેર તરીકે અસર કરે છે. પેટના ઝેર તરીકે અસર કરતા કીટનાશકોના ઉપયોગ ચાવીને ખાનાર મુખાંગવાળા કીટકોના નાશ માટે પાકમાં તેમની હાજરી હોય ત્યારે તેમજ તે અગાઉ પણ થઈ શકે છે. જયારે સ્પર્શજન્ય ઝેરનો ઉપયોગ કીટકોની હાજરી પાકમાં હોય ત્યારે ગમે તે પ્રકારના મુખાંગ હોય તો પણ થઇ શકે છે.
ડૉ. આર. એલ. કલસરીયા ડૉ. કે. ડી. પરમાર શ્રી એન. આર. ચૌહાણ પેસ્ટિસાઈડ રેસિડયૂ લેબોરેટરી, ICAR -યુનિટ-૯, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (મો.) ૯૪૨૭૫૭૦૧૮૩




















