
શ્રીમતિ અંજનાબેન નિલેશભાઈ ગામીત, ગામ-નાની ચીખલી, તા. વ્યારા, જિ: તાપીના વતની છે (મોબાઈલ નં.૯૮૯૮૯૧૬૭૬૮). જે ડીપ્લોમા (સિવિલ એન્જીનિયર) થયેલા છે અને બાંધકામ તેમનો મુખ્ય વ્યવસાય છે. મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે અને તે માટે પોતાની કુશળતાને ઓળખી બાંધકામ તેમજ ખેતીના વ્યવસાય સાથે એક સ્વતંત્ર વ્યવસાયને અપનાવવા માંગે છે. સોશિયલ મીડીયા પર તપાસ કરતા મશરૂમ વ્યવસાયમાં રસ ઉત્પન્ન થયો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા દ્વારા પ્રકાશિત “ઓઈસ્ટર (ઢીંગરી) મશરૂમની ખેતી પધ્ધતિ” વિશેમાહિતી મેળવવા માટે કેવીકેની મુલાકાત લીધી.
કેવિકે, વ્યારા દ્વારા તાપી જિલ્લાના આદિવાસી ખેડૂત ભાઈ-બહેનોને ખેતી અને પશુપાલન સાથે તેમજ યુવાન ભાઈ-બહેનો માટે મશરૂમની ખેતી કરી આવક વધારવા તાલીમ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જમીન અને સૂર્યપ્રકાશ વગર થતી મશરૂમની ખેતી અપનાવી પોતાના આહાર માટે તેમજ એક વ્યવસાય રૂપે ઢીંગરી મશરૂમની ખેતી કરતાં થયા છે.
અંજનાબેનએ શરૂઆતમાં મશરૂમની ખેતી માટે વધારાનું રોકાણ કરતા ન હતા, જે સાધનો ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી મશરૂમની ખેતી કરવાનો નિશ્ચય કર્યો. તેમના ઘરની બાજુમાં પાર્કીંગ માટે શેડ તૈયાર છે, તેમાં બાબુની મદદથી રેક બનાવી અને ચારેય બાજુ શેડનેટનો ઉપયોગ કરી માધ્યમ તરીકે ડાંગરનું પરાળ અને શેરડીનો બગાસ ઉપયોગમાં લીધો. પણ પરાળના ટુકડા કરવા માટે ચાફ કટર નો ઉપયોગ કરેલ છે. શરૂઆતમાં મશરૂમ ઉત્પાદન માટે ઉપયોગી સાધન સામગ્રી જેવીકે મશરૂમનું બિયારણ, પોલીથીન બેગ અને દવાઓ (કાર્બેન્ડાઝીમ અને ફોર્મેલીન) કેવિક દ્વારા આપવામાં આવેલ હતું.
મશરૂમની ખેતી માટે અંજનાબેનએ શરૂઆતમાં રૂા.૧૧૦૦૦/- જેટલો ખર્ચ કરેલ હતો,. ફકત ૨૪ કિલો મશરૂમ બિયારણમાંથી ૧૪૦ કિલો તાજા ઢીંગરી મશરૂમનું ઉત્પાદન મેળવેલ છે. પ્રતિ કિલો રૂા. ૨૦૦/- પ્રમાણે વેચાણ કરી રૂા. ૨૮૦૦૦/- જેટલી આવક મળેલ . કુલ ખર્ચ બાદ કરતાં તેમને ચોખ્ખો નફો રૂ. ૧૭૦૦૦/- ફકત ૨.૫ મહિનામાં પ્રાપ્ત થયેલ છે.
આ પ્રોત્સાહક પરિણામોએ તેમને નિયમિત ધોરણે મશરૂમની ખેતી શરૂ કરવા અને મશરૂમ ઉગાડવા માટે પાકું મશરૂમ ઘર (૩૦’ x ૨૦’) બનાવવા માટે પ્રેરણા આપી. ઉત્પાદનમાં અંજનાબેનએ મેળવેલ સફળતા અને મશરૂમની ખેતીમાં ૧૮ મહિનાનો તેમનો અનુભવ, મશરૂમ ઉત્પાદન યુનિટમાં વધારો કરવા માટે પ્રેરિત કરેલ તેથી તેમણે વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન વધારાનું રૂા. ૧,૭૨,૦૦૦/-નું રોકાણ કરી મશરૂમ ઘર (૨૩’ X ૮૦’ કદ)નો વિસ્તાર વધારી તેમાં સુધારો કરેલ અને એપ્રિલ-૨૦૧૮ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી તેમણે ૨૫૦ કિલો મશરૂમના બિયારણ (સ્પાન)નો ઉપયોગ કરી ૧૨૩૪ કિલો મશરૂમનું ઉત્પાદન લીધેલ . જેમાંથી તેમણે કુલ આવક રૂ।. ૩,૦૮,૫૦૦/- મળેલ છે. ઉત્પાદન માટે કુલ રૂા. ૮૮,૩૫૦/- ખર્ચ કરવામાં આવેલ છે. આ રીતે અંજનાબેનએ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૨,૨૦, ૧૫૦/-નો ચોખ્ખો નફો મેળવેલ છે.
બજાર વ્યવસ્થા લોકલ માર્કેટ/સગા સબંધીઓ દ્વારા અને સોશિયલ સંપર્ક દ્વારા માંગના આધારે અંજનાબેને ૧૦૦ થી ૨૦૦ ગ્રામનું પેકેટ બનાવી આંગણવાડી કાર્યકરો,કરિયાણા દુકાનધારક તેમજ શાકભાજી વેચાણ કરનાર ની મદદથી વ્યારા શહેરમાં તેમજ આજુબાજુના ગામોમાં વેચાણ કરે છે. ગ્રાહકો ફોન પર પૂછપરછ કરી મશરૂમ ખરીદ કરવા માટે બુકીંગ કરે છે. વધુમાં, જાન્યુઆરી ૨૦૧૯ થી તાપી જીલાના કલેકટરશ્રી હાલાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક કૃષિ ખેતપેદાશનું બજાર (સીધું ખેડૂતો દ્વારા વેચાણ)નો શુભારંભ કરવામાં આવેલ છે તેમાં અંજનાબેને સ્ટોલ ગોઠવી ઓર્ગેનિક મશરૂમનું વેચાણ શરૂ કરેલ છે. કઠોળ, તેલીબીયાં, શાકભાજી તેમજ ફળ પાકોની ખેતી કરતાં મશરૂમની ખેતી ટુંકાગાળાની છે.
ફકત ૪૫ થી ૫૦ દિવસમાં મશરૂમનો એક પાક પુરો થાય છે. અન્ય પાકોની સરખામણીમાં
રોગ-જીવાતોના પ્રશ્નો ઓછાં જોવા મળે છે, પરીણામે ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવે છે.
નૈસર્ગિક આપત્તિઓ (કુદરતી વાતાવરણીય બદલાવો)ની આડઅસર મશરૂમમાં નહિવત જોવા મળે છે જેથી પાક નિષ્ફળ થવાની શકયતા ઓછી રહે છે. મશરૂમની ખેતી માટે સૂર્યપ્રકાશ અને જમીનની જરૂરીયાત ન હોવાથી ઓછી જગ્યાએ ભૂમિહિન અથવા જમીન વિહોણા મજૂરો, બેરોજગાર યુવાનો વર્ટીકલ પદ્ધતિથી ખેતી કરી વધારાની આવક મેળવી શકાય છે.
અંજનાબેન મશરૂમની ખેતી વિશે પૂરેપુરી માહિતી મેળવી તેમાં પારંગત થયા છે. અને તેમના
ગામનાં તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો માટે મશરૂમની ખેતીમાં એક આદર્શ
પ્રગતિશીલ યુવા ખેડૂત મહિલા તરીકે જાણીતા થયા છે.
તેઓના મશરૂમ ફાર્મની મુલાકાત ઘણાં બધાં ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ
અને અન્ય મહાનુભાવોએ કરેલ છે. ખેડૂતો વારંવાર તેમના ઘરે મુલાકાત લેવા જાય છે અને
અંજનાબેન ખેડૂતોને મશરૂમની ખેતી કરવા પ્રોત્સાહન આપે છે.
- અંજનાબેનનાં મશરૂમ ફાર્મ દ્વારા પથી ૬ ભાઈ અને બહેનોને રોજગાર મળેલ છે.






