
ફૂલ પાકોમાં ગુલછડી અગત્યનો ફૂલ પાક છે. ગુલછડી એ બીજા રજનીગંધા, નીશીગંધા, ટ્યુબરોઝ અથવા ગુલ-એ-શબા જેવા નામોથી પણ ઓળખાય છે. ગુલછડી એ એસ્પેરાગેસી કૂળનું કંદ છોડ છે. જેનું ઉદ્ભવસ્થાન મેક્સિકો છે. ગુલછડી આખા વર્ષ દરમિયાન ખીલે છે અને તેના ગુચ ફૂલોવાળી દાંડી સુગંધથી સમૃદ્ઘ છે, કળીઓ તારા આકારની, મીણ જેવી હોય છે અને દાંડી પર ઢીલી રીતે ગોઠવાયેલા હોય છે જેની લંબાઈ ૩૦ થી ૪૫ સે.મી. સુધી પહોંચી શકે છે. ગુલછડી ફૂલોની દાંડી લાંબા સમય સુધી તાજી રહે છે અને ફૂલોના બજારોમાં એક અલગ સ્થાન મેળવે છે. તેની અપાર નિકાસ ક્ષમતાને લીધે આપણા દેશમાં ગુલછડીની ખેતી દિવસેને દિવસે વેગ પકડી રહી છે.



























