
દાડમના પાકમાં ત્રણ સિઝનમાં ફૂલ આવે છે. માટે આખું વર્ષ ફળો આવતા રહે છે. જો આ ફૂલો ડીસેમ્બર- જાન્યુઆરીમાં આવે તો તેને આંબે બહાર, જુન-જુલાઈમાં આવે તો તેને મૃગ બહાર અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવે તેને હસ્ત બહાર કહેવાય છે.
દાડમમાં ત્રણે ૠતુમાં પાક લેવો આર્થિક તેમજ વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આંબે બહારમાં ફળો ચોમાસાની શરૂઆતમાં આવતા હોય, વરસાદથી ફળો ઉપર ડાઘા પડે છે. મૃગ બહારમાં ફૂલોનો વિકાસ ચોમાસામાં થતો હોય, જીવાતોનો ઉપદ્રવ વધારે રહે છે. જયારે હસ્ત બહારમાં ફળો માર્ચ-એપ્રિલમાં તૈયાર થાય છે. ફળોનો વિકાસ ઠંડા અને સૂકા હવામાનમાં થતો હોવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. જેથી વિકાસ સારો થાય છે અને બજાર ભાવ સારો મળે છે. તેથી દાડમના પાકમાં ગુજરાત માટે ખાસ હસ્ત બહારની ભલામણ કરવામાં આવે છે.
હસ્ત બહારનો પાક લેવા માટે માર્ચ-એપ્રિલના ફળો ઉતારી લીધા પછી સપ્ટેમ્બર-ઓકટોબર માસ સુધી પાણી આપવું નહિ. ઓકટોબરમાં ફૂલ આવવા સમયે ખાતર આપી અને ત્યારબાદ પાણી આપવાથી એક સાથે સારા ફૂલો આવશે અને માર્ચ-એપ્રિલમાં ફળો મળશે.
















