

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે
આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને ઉત્પાદનમાં વાંધો ન પાડતી હોય તેવા ઝાડની નીચલી ડાળીઓને કાપી લઈ, વૃક્ષને એક થડ પર બહુ ઊંચે જતું બચાવવું. ઝાડની કોઇ કોઇ ડાળીઓ અને ઝાડના ઘેરાવાવાળી ઘટા ધરતીને અડેલી હશે તો તેવા ઝાડને ઊથલી પડવાની શક્યતા ઘટશે. જ્યાં ટપક પદ્ધત્તિથી ઝાડને પિયત કરાતું હોય ત્યાં ઝાડના એકદમ થડિયામાં ટપકિયાં નહીં આપતાં, થડથી દૂર-ફરતાં ફરતાં આપવાથી તેનું મૂળતંત્ર થડથી દૂર અને વધારે ચોરસફૂટમાં ફેલાયેલું બનતું હોવાથી તેનું સ્ટેંડ-ફાંઉડેશન પહોળું બને એટલે ઉથલી પડવાનો ભય ઘટે છે.

























