
એકલા કપાસનું વાવેતર નહીં કરતાં, હારમાં બીજા મિશ્રપાકને પણ સહવસવાટ કરાવતા થઈએ. વરસાદ કેટલો થવાનો છે, તેનો અંદાજ આપણને નથી. અને કપાસ તો ઠીક ઠીક લાંબાગાળાનો પાક હોવાથી, તેમાં આવનારા રોગજીવાત, પિયતના પાણીની છત કે ખેંચ, અને હવામાન “સવા”વાળું રહે શે કે “કવા”વાળું તે પણ અગાઉથી જાણી શકાતું નથી. એટલે સરવાળે ધાર્યો હોય ગોળો અને ઉતરી જાય ભંભોટિયો ! આવું જોખમ ઘટાડવાની દ્રષ્ટિએ પણ વચ્ચેના પહોળા પાટલાની જગ્યામાં આવો આંતરપાક લીધો હોય, કે જે કપાસને ખાસ વેડે નહીં કે દબાવી ન દે, તેવો નીચો અગર પાતળો રહેતો અને ટુંકા ગાળાનો છતાં કંઇકને કંઇક ઉપજમાં, જમીન સુધારવામાં કે જીવાત નિયંત્રણમાં- કોઇને કોઇ રીતે ઉપયોગી બની રહેતો હોય! સરવાળે એ લાભકારી બનતું હોય છે. અને તમે જોજો! જીવાતોને એકધારો એકનો એક પાક ઊભો હોય તેમાં આતંક મચાવવાની જેટલી મજા પડે તેટલી મજા મિશ્રપાકી વાવેતરમાં પડતી નથી.
આવા મિશ્રપાક તરીકે મગ, અડદ, કળથી, તલ, ઊભડી મગફળી, સોયાબીન, મકાઇ કે નીચી રહેતી બાજરી, કોઇપણ અનુકૂળ જણાતા પાકને વાવી શકીએ. માનો કે કોઇ કારણસર આવતી સાલ એની એ જમીનમાં કપાસ વાવવાનું બન્યું હોય તો ચાસની જગ્યા બદલી નાખી, ફેરબદલીનો આંશિક લાભ પણ લઈ શકીએ.શકીએ. અને બીજા પાકોને વાડીમાં વસાવવાનો મોકો આપી આપણી જરૂરિયાતો બાબતે સ્વાવલંબી બની શકીએ.














