
જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે પાણી આપીએ ત્યાં બેસી જવાનું હોય ચોમાસું. ખેડૂતને પિયત બાબતે જાજી લમણાજીક ન રહે. વળી પોણો ઉનાળો ઉપરથી ગયો હોય, ઝાડવા આપમેળે જ આરામમાં-કહોને બધા પાંદડાં ખેરવીને સમાધીમાં લીન થઇ ગયેલાં હોય, ખેડૂતે વધારાની માથાકાહટી કરવાની રહે નહીં. ફળો વિકસવાના હોય ચોમાસા દરમ્યાન, પૂર્ણરીતે વિકસી શકે તેવી પૂરતા પાણીની સ્થિતિ હોય કુદરતી. ફળો ડીસે-જાન્યુઆરીથી પાકવાના શરૂ થવાના હોઈ, એવે ટાણે શિયાળો બેસવાની હોય તૈયારી. ઠંડીનો વધી રહ્યો હોય ચમકાર-પરિણામે ફળોમાં મીઠાશ અને સોડમ તૈયાર થયા હોય ખાનારને યાદ રહી જાય એવા ! જામફળ માટેતો “મૃગબહાર” જ લેવાનું નક્કી કરાય






















