
કપાસ ઘણા લાંબાગાળાનો પાક છે.વળી આપણે તેની પાસેથી મબલખ ઉત્પાદન મેળવવું છે. એટલે લેવું છે ખૂબ અને ખાવા આપવું નથી, એવું તો નહીં ચાલે ભૈ ! હા, આ વાતને આપણે બરાબર પકડી છે અને ખાવાના ઢગલે ઢગલા જમીનમાં ખડક્યા જ કઈએ છીએ. પણ વનસ્પતિ આપણા જેવી નથી કે જોયા-પારખ્યા વિના જે તે ખાધા કરે ! તે તો સાધુ-સંતોના જેવી મિતાહારી અને પૂરેપૂરી ચતુર હોય છે.પરંતું જરૂર કરતાં વધુ ખોરાક જો હાથ લાગી જાય, તો છોડ તેનો મોજશોખમાં યાને શરીરની વૃદ્ધિમાંમાં ઉપયોગ કરવા માંડે છે. કિશોરોની કૂણપ ધારણ કરી લે અને ફાલ ભૂલી બહેકી જાય. એટલે પોષણ પણ માપથી વધુ ન ઉમેરવું. ઉમેરવું પડે તો બને ત્યાં સુધી રાસાયણિક ખાતરોને બદલે સેંદ્રીય ખાતરોથી ઉમેરવું.
અને કપાસના છોડવાઓની ઊંચાઈ ત્રણેક ફૂટ જેટલી થયેથી દરેક છોડની ડુંખ મોરી લેવી. જેથી છોડનાં મુખ્ય થડમાંથી ફૂટતી ડાળીઓની લંબાઈ ખૂબ વધવા પામશે.-જેના પર ચાપવા,ફૂલો અને જીંડવાનું પણ અસંખ્ય રીતે બંધારણ થવા પામશે. અને હજુ આગળ કહું તો ૨૦-૨૫ દિવસ પછી એ બધી આગળ વધતી ડાળીઓની પણ ડુંખ મોરી લેવામાં આવે તો ઠરેલ જીંડવાનું કદ પણ ખુબ મોટું બનવા પામશે. જેથી કપાસનું ઉત્પાદન ઘણું વધવા પામશે. અને છોડનો ઘેરાવો સરખો વધી એકે બાજુ નમી-ઢળી પડતા બચી જશે તે વધારામાં !
અને પિયતના પાણી બાબતે વિચારી તો વનસ્પતિની ખોરાક લેવાની રીત સાવ નિરાળી છે. એને ક્યાં આપણાં જેવું મોઢું,દાંત, કે જીભ છે કે કોરા પદાર્થો ચાવીને ખાય ? એને તો ખાવું ગણો કે પીવું ગણો, મૂળને છેડે આવેલાં ઝીણાં તંતુમૂળો એની પહોંચના વિસ્તારમાંથી ભેજને સહારે કોહવાઇને રસ થયેલાં પોષક દ્રવ્યોને તેની બારિક ગળણીમાં ગળીને ચૂસ્યા કરે છે. એટલે મૂળ વિસ્તારમાં ભેજની હાજરી રાખી શકનારી પિયત પદ્ધતિને જ કામમાં લેવાય ને? ધોરિયા, રેળ,પાટલા પદ્ધતિ કરતાંય સ્પ્રીંકલર અને ડ્રીપ પદ્ધત્તિ જ ઉત્તમ ! એમાંયે મગફળીને તો સ્પ્રીંકલર ફાવે, બાકી કપાસ માટે તો નીચે મૂળ વિસ્તારમાં ભેજ અને ઉપરથી સૂર્યપ્રકાશ ! ટપકથી જ વધવા-વિકસવામાં જામો પડી જાય ભાઇ ! મૂળવિસ્તારમાં ભેજ, ગરમી અને હવા ત્રણેનું સંતુલન, પાણીમાં બચત,રોગ-જિવાતમાં રાહત, ખાતર-મજૂરીમાં બચત,અને ઉત્પાદન સવાયું ! શું કામ આવું ના કરીએ ?

















