
સોસાયટી બની ત્યારે સૌથી પહેલાં રહેવા આવનારાં બે કુટુંબો, એક તરલાબેનનું અને બીજું સરલાબેનનું. આસપડોશમાં બીજું કોઈ આવ્યું નહોતું એટલે આ બંનેની જોડી બરાબર જામી ગઈ. આમ તો બેઉના સ્વભાવમાં લાખ ગાડાનું અંતર. તોય એકમેક વગર ચાલે નહીં. સવાર પડે કે તરલાબેન ટહુકો કરે, “કેમ સરલાભાભી, ચા-પાણી પીવાઈ ગયાં?”
“ના રે બેન, આજે તો મારે ચોથનો નિર્જળા ઉપવાસ છે.”
દિવસ ઊગે ને સરલાબેનનાં પૂજા-પાઠ, વ્રત-વરતોલા, મંદિરે જવું આવા કંઈ ને કંઈ ક્રિયા-કર્મ ચાલતાં જ હોય. એમના ભક્તિભાવ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાથી આખી સોસાયટીની બહેનો પ્રભાવિત હતી. ભેગી મળે ત્યારે કહેતી, “સરલાબેનને તો ધન્યવાદ છે હોં! અગિયારસ કે સોમવાર, દશામા કે સંતોષીમાં એકે વ્રત ચૂકે નહીં.” “સાચી વાત છે હું! મારાથી તો કશું થાય નહીં. ભૂખી રહું એટલે મને ચક્કર જ આવવા માંડે.”
આ બધાંથી તરલાબેન સાવ નિર્લેપ, ધાર્મિક ક્રિયા-કાંડ કરતાં એમને માનવધર્મમાં વધુ રસ પડે. ભૂખ્યાને જમાડવામાં, માંદાની સેવા કરવામાં કે ગરીબ વિદ્યાર્થીને ભણવામાં મદદ કરવામાં એમને આત્મસંતોષ મળતો. પોતાને ગમતાં કામ એ કર્યા કરતાં પણ સરલાબેનને કદી “તમે આમ કરો કે, આમ ન કરો’ એવી સલાહ ન આપતાં. ઉપરથી એમને ઉપવાસ હોય કે, સત્સંગમાં ગયાં હોય ત્યારે તરલાબેન એમના પતિને ચા કે સ્કૂલેથી આવેલા દીકરાને નાસ્તો આપી આવતાં. બંને નવરાત્રિ અને અન્નપૂર્ણાદેવીની સાધના માટે સરલાબેન અનુષ્ઠાન કરતાં. એવાં બધાં કામોમાં તરલાબેન પૂરો સાથ આપતાં.
આ વર્ષે સરલાબેનનું અન્નપૂર્ણાદેવીનું વ્રત પૂરું થયું એનું ઉજવણું કરવાનું હતું. જોરશોરથી તૈયારીઓ ચાલતી હતી. અગિયાર કુંવારિકાઓને જમાડવાની હતી. જમાડીને દરેકને ભેટ આપવાની હતી. પૂજાની બધી સામગ્રી બજારમાંથી લાવવાની હતી. દરેક કામમાં એમને તરલાબેનનો સાથ તો જોઈએ જ. એટલે સરલાબેને પૂછ્યું, ‘‘તરલાબેન, કાલે સાંજે તમને ફાવશે? પંડિતજીએ ચીજ-વસ્તુઓનું લાંબું લિસ્ટ આપ્યું છે. એકલ પંડ મારાથી પહોંચી નહીં વળાય. તમે સાથે હો તો સારું પડે.”
“તમે ચિંતા ન કરો. હું તમારી સાથે આવીશ.”
“હા…શ! હવે મને નિરાંત થઈ. આ તો શું કે, એક કરતાં બે ભલા. ને મારો સ્વભાવ તો તમે જાણો જ છો. ભગવાનની પૂજાનો સામાન લેવામાં જરાય કસર નહીં કરવાની. સારામાં સારી ને મોંઘામાં મોંઘી સામગ્રી લેવાની. પાછા વળતાં તો આપણે રિક્ષામાં આવતાં રહીશું. વધારે મોડું નહીં થાય.”
નક્કી કર્યા મુજબ બીજે દિવસે બંને પાડોશણો નીકળી. ખરીદીની શરૂઆત થઈ ત્યાં સરલાબેને ચાલુ કર્યું. ‘તરલાબેન, બધું મળીને અગિયાર નારિયેળ જોઈશે. અહીં બધી દુકાનોમાં તો બહુ મોંઘા છે. તમને વાંધો ન હોય તો આપણે વખારમાં જઈને લઈ આવીએ?”
“તરલાબેન, કોડિયાં બરાબર ધ્યાન રાખીને લેવાં પડશે હં! આ રસ્તા પર પથારા લઈને બેઠા હોય એ આપણું ધ્યાન ન હોય તો ભાંગેલી-તૂટેલી વસ્તુ પકડાવી દે. મહારાજે કહ્યું છે કે, એક પણ કોડિયું ખંડિત હશે તો દોષ લાગશે. તમે ને હું બંને ચેક કરતાં જઈશું એટલે વાંધો નહીં આવે. પણ આટલામાં કોઈ કોડિયાંવાળું દેખાતું નથી.’’
હજી તો બોલવા જાય ત્યાં તરલાબેનની નજર રસ્તા પર પાથરણું પાથરીને બેઠેલી વૃદ્ધ સ્ત્રી પર પડી. બરાબર દેખાતું ન હોવાથી હાથની છાજલી કરીને એ સ્ત્રી આવતા-જતા લોકોને બોલાવતી જતી હતી, “આ કોડિયા લૈ જા ની બુન! આખો દી બેઠી પણ કોઈ લેવા ની આયવું. બો હારા કોડિયાં છે. સસ્તામાં આપી દેવા.”
સસ્તું શબ્દ સાંભળીને સરલાબેનના કાન ચમક્યા. એમણે આ ઘરડી સ્ત્રીની મજબૂરીનો લાભ ઉઠાવવાનું નક્કી કરી લીધું. ‘
શરીર પર અસંખ્ય કરચલીઓ વાળી અને ફાટેલા સાડલાવાળી આ વૃદ્ધા સાથે રકઝક કરવાનું તરલાબેનને રુચ્યું નહીં પણ એ માત્ર એટલું જ બોલ્યાં, “ચાલો, જોઈએ તો ખરાં!” માંડ માંડ આવેલા ઘરાકને જોઈને સ્ત્રી રાજી થઈ ગઈ. “બુન, આમ તો રૂપિયાનું એક કોડિયું થાય પણ તારે વધારે જોઈતા છે તે સીત્તેર પૈસાનો હિસાબ ગણજે, બસ?”
“જા જા હવે, લૂંટવા બેઠી છે? આગળ જે માણસ બેઠો છે એ સાઠ પૈસામાં આપવા તૈયાર હતો. આ તો તને ઘરડીને જોઈ એટલે મને દયા આવી ગઈ. જો, એકાવન કોડિયાં જોઈએ છે. ૨૫ રૂપિયામાં આપવા હોય તો આપ, નહીંતર…” “લઈ જા બુન, લઈ જા. જે મળે એમાંથી પોરિયાઓ ખાવા ભેગા થાય એટલે ઘણું.’’ બેઉએ મળીને સારાં સારાં કોડિયાં થેલીમાં મૂક્યાં. તરલાબેનનો જીવ ચચરતો હતો, પણ બીજાની વાતમાં વચ્ચે ન બોલવું એમ કરીને ચૂપ રહ્યાં. સરલાબેને પચાસની નોટ આપીને પૂછ્યું, “છૂટા છે ને?” “એ તો હામેની દુકાનવારો આપહે.”
છૂટા પૈસા લઈ આવીને પેલી સ્ત્રીએ પોતાના થેલામાંથી પચાસની નોટ કાઢીને એમાં પચીસ ઉમેરીને સરલાબેનના હાથમાં કુલ ૭૫ રૂપિયા મૂક્યા. આંખે બરાબર દેખાતું ન હોવાથી અથવા ભૂલી જવાથી એ એવું સમજી હશે કે, સરલાબેને સોની નોટ આપેલી. તરલાબેનનું ધ્યાન ગયું એટલે તરત બોલવા ગયાં, “સરલાબેન, તમે તો..” એમનો હાથ ખેંચીને સરલાબેન દૂર લઈ ગયાં અને કહ્યું, “જેવી દેવીની મરજી તરલાબેન, આપણે એનો પ્રસાદ સમજીને વધારાના રૂપિયા લઈ લેવાના..”
સરલાબેન ઝડપથી ચાલવા લાગ્યાં. હજી તો અનુષ્ઠાનની કેટલી બધી તૈયારી બાકી હતી! તરલાબેને પાછળ ફરીને જોયું તો પેલી બુઢ્ઢી સ્ત્રી પોતાનો પથારો સંકેલી રહી હતી.
(ઋચા શર્માની હિંદી લઘુકથાને આધારે)
– આશા વિરેંદ્ર












