aries agro

ગાયને ‘માતાજી’ ગણી, કપાળમાં ચાંદલો કરી, તેની પૂજા કરીને બિરદાવવાથી ગાય અને ગોવંશ બચાવી શકાય નહીં. આ માટે તો ગાય પાસેથી હાંડેહાંડા દૂધ અને ઉચ્ચ કોટિના વાછરડા-બળદો તથા ગાયના ગોબર-ગોમુત્રના ઉત્તમ ઉપયોગ કરવાનીવૈજ્ઞાનિક રીત જાણી, એનો અમલ કરી, ગાયની અનિવાર્યતા પ્રસ્થાપિત કરી શકીએ,તો ગાય-ગોવંશ આપોઆપ બચે.
આવું જ કંઇક પર્યાવરણ અને વૃક્ષોનું છે.”વૃક્ષતો સાધુ લક્ષણા,પથ્થર મારે તેને ફળ આપે, કાપો તો ન કરે ક્રોધ, સિંચો તો ન કરે નેહ”, “વૃક્ષમાં વાસુદેવ” જેવી માત્ર ભાવનાની વાતો કરતા રહ્યે વૃક્ષોનું બહોળું કાર્ય નહીં થાય.પણ વૃક્ષોને ખેતીનું અનિવાર્ય અંગ ગણી, તેને જ રોટલો રળવાનું માધ્યમ બનાવી લીધું હોય તો વૃક્ષ અને ખેડૂત બન્ને સચવાઇ જાય. મારું કહેવાનું એ છે કે આપણે સૌ ખેડૂતો જુવાર, બાજરી, મકાઇ, કઠોળ, તેલીબિયાં, કપાસ, તલ વગેરે પકવીને સમાજને ચરણે ધરીએ છીએ અને તેના દ્વારા આપણા કુટુંબની આજીવિકા મેળવીએ છીએ ખરુંને ?
ફેરફાર માત્ર થોડોક જ ! = તો હવે તેમાં માત્ર એટલો ફેરફાર કરીએ કે આ ઉપર કહ્યા તેવા ઋતુપાકોની સાથોસાથ તે તે વિસ્તારમાં, ત્યાંના હવા-પાણીને ફાવે તેવા કેરી, કેળાં, ચીકુ, લીંબુ, બોર, દાડમ, જામફળ, સીતાફળ, નાળિયેર, આમળા વગેરે ફળપાકો થોડી થોડી જમીનમાં વાવીએ અને ઉછેરીએ તથા ફળોનું ઉત્પાદન કરી પોષણમૂલ્યમાં ચડિયાતા એવા સાત્વિક ખોરાકના રૂપમાં સમાજને ચરણે ધરવાનું નક્કી કરીએ, એટલે માનોને વૃક્ષો આપણી ‘ખેતીનું એક અંગ’ જ બની જાય. વળી એ બહાને વૃક્ષોનું વધુ વાવેતેર-માવજત અને જાળવણી થતાં થાય. કહોને પર્યાવરણ સુધારણાનું આવું ઉત્તમ કાર્ય કરવા બાબતેખેડૂત નિમિત્ત બનતો થાય !
વરસાદની અનિયમિતતાનું કોઇ માપ નથી = ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો વરસાદની અનિયમિતતાએ આડો આંક વાળ્યો છે. ખેતીમાં બાજરી, તલ, કપાસ, મગફળી, મકાઇ વગેરે મોસમી પાકોના ઉત્પાદનની વધ-ઘટમાં વરસાદની અનિયમિતતા જ મુખ્યભાગ ભજવતી હોય છે. જેમ કે
વાવણીના ખરા સમય [15 જૂન]થી ખૂબ મોડો વરસાદ શરૂ થાય એટલે મગફળી અને કપાસ જેવા લાંબા ગાળાના અને વહેલા વવાતા પાકોનું વાવેતર ખેડૂતોએ ઘટાડી દેવું પડે છે. વરસનો પાયો જ નબળો, એમાં ધારેલું ઉત્પાદન લેવું કેમ ?
વરસાદ એકવાર વરસી વાવણી કરાવી જાય, પછીથી દોઢ મહિના સુધી ફરીવાર ડોકાય જ નહીં-એવું વાયરૂ ફેંકે કે તલ, બાજરી જેવા પાકો ઉગીને સુકાઇ જાય. પછીના મોડા મોડા આવેલા વરસાદે ફરી વાવણી કરે તો ય વરસ તો કંતાઇ જ જાયને ?
બરાબર લાણીના સમયે વધુ વરસે નહીં, પણ એકધારો ત્રણચાર દિ’ ઝીણો ઝીણો ઝર્યા કરે, પાકેલા ડુંડામાં દાણા ઉગી જુંવારા બની જાય, ખેંચેલ મગફળીના પાથરા પલળી કાળામેશ-ઢોરાંને ખવરાવતાય ઉધરસ થઈ જાય તેવા બગડી પાલો નકામો બની જાય. કહોને ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝુંટવાય જાય.
ખર્ચ તો બધો કરવો જ પડતો હોય છે = વળી હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, કેટલું મળશે એની ખરી ખબર તો ખળું લેવાય ત્યારે પડેને? પણ તે પહેલાં પ્રાથમિક ખેડ, બિયારણ, ખાતરો, દવાઓ અને છેલ્લે નજીવું જે બચ્યું હોય તે ભેળું કરી, મોસમ આટોપવાની લણણીની મજૂરી વગેરે ખર્ચાતો પૂરેપૂરા કરવા પડતા હોય છે.એટલે એ બધાને હિસાબે ઉધાર પાસૂ મોટું થઈ જાય છે.જો વરસાદ બરાબર વરસે તો ઉત્પાદન આવે અને જમા પાસૂ કંઇક વધે અને સરવાળે રોટલા નીકળે. “लेकिन वॉ दिन कहाँ की मियां के पांवमें जूतियां?” આ બધી મોસમી પાકની ખેતીમાં પડતી મુશ્કેલીઓમાં થોડેઘણે અંશે ઉગરવાનો આરોવારો છે કોઇ ?
વિચારીએ જરૂર =હા, એમાં એવું જરૂર બનવા પામે કે આપણા પાસેની જમીન, આપણો પાણીનો પૂરવઠો, અને આપણા વિસ્તારનું હવામાન કે સ્થાનિક કોઇ ખાસ પ્રશ્નો હોય તો તે બધાના અનુસંધાને પૂરેપૂરો વિચાર અને ગણતરીને ધ્યાને લઈ આપણી વાડીને ક્યા વૃક્ષો અનુકૂળ રહેશે તેનો પૂરતો અભ્યાસ કરીને પછી જ આગળ વધવાનો નિર્ણય લઈએ તો એમાં કંઇ ખોટું નથી.
અને એવું પણ બનવા સંભવ છે કે આંબા, કેળ, નાળિયેર, ડ્રેગનફ્રુટ જેવા રજવાડી પાકો- જેની કેટલીક વિશિષ્ટ જરૂરિયાતો, ગમાઅણગમા હોય તે દરેક ન ઉગાડી શકે. પણ લીંબુ, ચીકુ, દાડમ, સીતાફળ, બોર, જામફળ, આમળાં જેવા ખૂબ કઠ્ઠણ ફળપાકો કે જે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ઝઝૂમી ઉત્પાદન આપવા બાબતે ખેડૂતની પડખે ઊભા રહી શકે તેવા છે તેને જરૂર અપનાવી શકાય.
વૃક્ષ વાવેતરનાં જુદાં જુદાં નિમિત્તો = [1] વ્યવસ્થિત પ્લાંટેશન = આપણી જમીનની મર્યાદા પારખીને સારી જમીનમાં અમૂક ભાગ 25, 33, કે 50 % વિસ્તારમાં ફળપાકો અને ઇમારતી પાકોનું વાવેતર કરી શકીએ.જેમાં ચીકુ, આંબા, નારિયેળી, જામફળી, દાડમી, કેળ અને લીંબુ, સીતાફળી, ડ્રેગનફ્રુટવગેરે તથા સાગ, ચંદન, વાંસ, સેવન, બૂચ, યુકેલિપ્ટસ , લીમડા વગેરે.
[2] વાડીની ફરતી વાડમાં = વાડી ફરતી માત્ર સૂકા કાંટાની વાડ કરવાને બદલે શેઢાની અંદરની બાજુએ સરગવા, ગુંદા, ગુંદી, કોઠા, બિલા, ગોરસ અને ખાટી આમલી, સીતાફળી, ચણી બોરડી તથા ખેર, લીમડા, કાચકા, કેરડા, સરૂ, સાગ વગેરે.
[3] વાડીની વાંકી અને નબળી જમીનમાં = જે જમીનમાં ચાલુ ખેતીપાકોની ખેતી બરાબર ન થતી હોય, ખાંચાખૂંચી વાળી હોય તેવી જમીનમાં સીતાફળી, બોરડી, આમળા, ગુંદા, ખારેક વધુ ફાવશે અને લીમડા, બૂચ, સેવન, ખેર વગેરે પણ કરી શકીશું.
[4] પવન અવરોધક પટ્ટીમાં = ઉનાળાની ધગધગતી લૂ કે માવઠા-હોનારતના તોફાની પવનની થપાટોથી અંદરના પાકને બચાવવા જરૂરી થઈ પડે છે. અને આમાં આપણી સહાયે આવે છે ઉંચા વધતાં વૃક્ષો –યુકેલીપ્ટસ, સુબાબુલ, સાગ, સરૂ ઇત્યાદિ.
[5] રસ્તાની બન્ને ધારે [શોભા માટે] = વાડીની અંદરના રસ્તાને બોડા રાખવાને બદલે તેની શોભા વધારે, તેવાં વૃક્ષો દા.ત.નારિયેળી, ખલેલાં, સરૂ, પેંડુલા, ગુલમહોર, બોગન, ખાખરો, ટેકોમા.
[6] ખેત તળાવડીના કાંઠે = તળમાં ઉતારવા ખેતતળાવડી બનાવી હોય ત્યાં તેના પાળા મૂળિયાં દ્વારા મજબૂતાઈ પકડે અને વળી વધારાનું થોડુંકેય પાણી ન પાવું પડે-આપમેળે ઉછરી રહી શોભામાં વધારો કરે એવા વૃક્ષો! ખાખરા, ગૂલમહોર, સોનમહોર, ગરમાળો, ટેકોમા, લીમડા, દેશી બાવળ.
[7] અડબાઉ – ખુલ્લી અને ઘસારાવાળી જગ્યાઓમાં = ખીજડા, હરમી, દેશી અને ઇજરાયલી બાવળ, ઇંગોરિયાં, તલબાવળા, ખાખરા, વિકળો, દેશી આવળ, જિંજવણી, ચણી બોરડી, કેરડા, અરણી, વગેરે
વૃક્ષ વસવાટના અપરોક્ષ ફાયદા= વરસાદની અનિયમિતતામાંથી ઊભા થતાં જોખમોમાં લાંબા ગાળે ઘટાડો નોંધાશે. આવકમાં એકધારાપણું ચાલુ થશે.
વૃક્ષો નો વસવાટ થવાથી પાણી દ્વારા જમીનનું થતું ધોવાણ થતું અટકશે કારણ કે વૃક્ષોના મૂળિયાં માટીના કણોને જકડી રાખવાનું કામ કરે છે.
ઝાડના મૂળો પાણીને ઉંડું ઉતારવામાં પાઇપલાઇન જેવું કામ કરતા હોવાથી પાણી ઉંડે ઉતરવાની ટકાવારી વધશે, પાણ ના તળ ઉંચા આવશે.
ઝાડના સૂકાં પર્ણો, ડાળી-ડાંખળાં વગેરે સડી જઇને સેંદ્રીય ખાતર બનશે, મૂળ વિસ્તારમાં કામ કરતા જીવાણુંઓ-અળસિયાંનેખોરાક પૂરો પાડી આડકતરીય રીતે જમીનને જીવતી રાખવાનું કામ થતું રહેશે.
સુબાબૂલ, લીમડો, વાંસ, ગ્લીરીસીડિયા જેવાના પાંદ કાળદૂકાળમાં માલઢોરાના નિભાવ અર્થે ચારો બની મદદગારી કરશે
જંતુનાશક દવાઓની અવેજી પૂરી પાડે એવા કામ સીતાફળ,લીમડા.અરિઠા,કરંજ, કરેણ વગેરેના પાંદડાંકરશે અને આંબળા, હરડે, બહેડા, સરગવા જેવા વૃક્ષોના ફળો માનવ આરોગ્યની ચિંતા કરતા થઈ જશે.
વૃક્ષો વરસાદના છડીદાર ગણાય છે, એટલે જેમ વૃક્ષોની વસ્તી વધતી જશે તેમ વરસાદનું પ્રમાણ પણ વધશે.
પાણીની વહેંચણીમાં સાંપડેલ આધુનિક નિશ્ચિતતા = આજના આધુનિક વિજ્ઞાને પાણીનો અનેકગણો વ્યાપ કરવાની આવડત વાળી “ટપકપધ્ધતિ”ની બહુ મોટી ભેટ ખેડૂત આલમને ચરણે ધરી છે.જેથી આપણે લગાડેલા થોડાઘણા વૃક્ષો નબળા-દૂબળા વરસે પાણી વાંકે નેવકા મરી જશે તેવો ભય હવે રાખવાની જરૂર નથી. વૃક્ષોનું જીવન ટકાવી રાખવાની માનોને બાંહેધરી મળી ગઇ છે તેમ કહું તો હવે જરાય ખોટું નથી મિત્રો !
ચીલાચાલુ ખેતીના મોસમી પાકોમાંથી મળતા નફાની સરખામણીમાં બગીચામાંથી મળતી આવક હિસાબની સરાણે ચડાવ્યા પછી અને એનો જાત અનુભવ લીધા પછી જ મારે આ વાત કરવી છે કે તમે જૂઓ ! વરસાદની અનિયમિતતા આપણી ખેતીને આભડી ગઈ છે.મજૂરીના દર વધતા જાય છે એટલું જ નહીં, કામ કરનારા માણસો જ મળવા મૂશ્કેલ બનતા જાય છે. આજના હાઇબ્રીડ બિયારણોએ વધુને વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ માગ્યા છે.વળી તેના ભાવો આસમાને આંબેલા હોય છે.ઉપરાંત તેના અતિ અને આડેધડ ઉપયોગથી જમીન,પાણી અને હવા વધારે દૂષિત થાય છે.અરે ! અનાજ, કઠોળ, શાકભાજી કે ફળો સુધ્ધાં કોઇ ખાદ્યચીજ એની માઠી અસરથી બાકાત રહી નથી. તેની આડ અસરોથી માનવજીવન લાચાર થતું જાય છે. ત્યારે ફળાઉવનીકરણ એટલેકે આપણી ખેતીમાં વૃક્ષોને ભાગીદાર બનાવી, એકપંથ દો કાજ –પર્યાવરણ સુધારણા અને ખેડૂત તથા ખેતીને જીવતા રાખવાનું,માનવજીવન-સંસ્કૃતિને ટકાવી રાખવાના વિરલ કામના યશમાં ખેડૂતોએ ભાગીદાર બનવું જોઇએ કે નહીં? તમારો શો જવાબ છે, કહો !

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં “ શોક્ય ” સમાન – નીંદામણનો ઉપાડો : કુદરતની કેડીએ

કુદરતને મન તો માટી ખાઇ જાણનારું આંધળું અળસિયું હોય કે મોટી સ્ટીમર જેવડી વ્હેલ માછલી હોય, ફુંક મારે ત્યાં ઉડી જાય તેવડું ખડમાંકડું હોય કે ભરોટુ ચારો ખાધેય ન ધરાતો હાથીરાજ હોય,

વધુ વાંચો....

કુદરતની કેડીએ : વાવેતરનો હેતુ એક, રીત અનેક

ધરતી પર વરસાદ વરસી જાય કે પછી પિયતનું પૂરતું પાણી મળી જાય એટલે ધરતીના પેટાળમાં સાત સાત વર્ષ સુધી ભલેને ઊગ્યા જ કરેછતાં ન ખૂટે એવા અખૂટ ભરેલા બીજ ભંડારમાંથી પાર વિનાનાં

વધુ વાંચો....

કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ

માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન ચલાવે. આખો દિવસ તો બંને કામમાં હોય,

વધુ વાંચો....

કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું

માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની જેમ ઓછી વધુ બંને બાજુની ઊંઘ બાબતે

વધુ વાંચો....

કુદરતની કેડીએ : ખેડૂતોના હિતમાં શેળો ભળે ભેળો…પણ શેઢાડી હાલે અવળી !

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks