aries agro

ધરતી પર વરસાદ વરસી જાય કે પછી પિયતનું પૂરતું પાણી મળી જાય એટલે ધરતીના પેટાળમાં સાત સાત વર્ષ સુધી ભલેને ઊગ્યા જ કરેછતાં ન ખૂટે એવા અખૂટ ભરેલા બીજ ભંડારમાંથી પાર વિનાનાં બીજ ઝપાટાબંધ ઊગી નીકળે છે. પણ તે બધાં હોય છે આડેધડ અને અડબાઉ રીતે ઊગેલાં ! એટલે ખેડૂતને મન (ગૌચરણ કે પડતર જમીનોમાં ઊગેલાંને બાદ કરતાં) તેની કિંમત એક નકામા અને માથાના દુ:ખાવા સમાન નિંદામણભાર તરીકેની જ. ખેતીપાક તરીકે વિકસવું હોય તો બીજ કે રોપાએ ધરતીમાંથી ઊગવા અને તેનું ધાવણ ચૂસવા વળગી રહેવા માટે તેણે પોતાનું ધાર્યું કરવાને બદલે, ખેડૂત કહે તે રીતે અને ત્યારે વ્યવસ્થિત રીતે જ ઊગવું પડે છે.
હા, વેરવિખેર સ્વરૂપે વિખાઇ જઇ ઉગાડવાના છે કે કતારબંધ રીતે, છૂટાં છૂટાં ક્યાંક ક્યાંક ઉગાડવાના છે કે ખૂબ મોટા અંતરે દૂર દૂર ઉછેરવાના છે ? તે બીજનો પ્રકાર, ખેડૂતની જરૂરિયાત, અને સ્થાનિક પરિસ્થિતિ- ત્રણેયનો મેળ બેસારી નક્કી કરવાનું હોય ખેડૂતે પોતે ! એમાં બીજને ખેડૂતનો હુકમ જ શિરોધાર્ય ગણવો પડે છે.

સ્થાનિક પરિસ્થિતિ, બીજની વિશિષ્ઠ ખાસિયત અને ભવિષ્યના આયોજનની ગણતરી ધ્યાનમાં લઈ, જુદી જુદી ઘણી બધી રીતે બીજને ધરતીના સાનિધ્યમાં સોંપવાનો કાર્યક્રમ ખેડૂતો કરતા રહેતા હોય છે. આપણે આને વાવેતરની વિવિધ રીતોના આમે ઓળખીએ છીએ.
વાવેતરની જુદી જુદી રીતો : (1) છાંટવું – પૂકવું : જો બીજ એકદમ બારીક, ઝીણું કે હળવું હોય, અને ઊંડું વાવતાં ઊગી શકે તેમ ન હોય, વળી આડું-અવળું (અસ્ત વ્યસ્ત રીતે)ઊગે તોય વાંધો ન હોય તેવા બીજને હાથથી છાંટી, તેના પર હળવા હાથે પંજેઠી (ખંપાળી) ફેરવી બીજને પા થી અરધો ઇંચના જમીન-દળ સાથે સેળભેળ કરી દેવામાં આવે છે. સામાન્યરીતે મોલાત ઊગાડવા માટેના સ્થળ પરની જમીન તૈયાર કરી લીધા પછી, કોરામાં જ ક્યારા-પાળી બનાવી લઈ, પછી જ બીજને છાંટવામાં આવતું હોય છે. ખાસ કરીને શિયાળુ પિયતના રજકો, ગાજર જેવા ચારાના પાકો,જીરૂ, ઇસબગુલ, ધાણા, મેથી જેવા નીચા વધતા પાક, ઉપરાંત જે બધાને ખૂબ ઘાટા જ ઉગાડવાના હોય તે બધા પાકો, ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઓરવાણ કરીને વાવણી કરેલ ઘઉંની સરખામણીએ કોરામાં છાંટીને અગરતો ઓટોમેટીક વાવણીયાંથીવાવેલ ઘઉં વધારે ઉતારો આપે છે, તેવું સાબિત થયું છે.

છાંટવામાં શું ધ્યાન રાખવું ? એક એકરદીઠ જેટલું બીજ છાંટવાનું નક્કી કર્યું હોય તેટલાં બીજનાં જથ્થાનું કોઇ માપિયાથી માપ કાઢી લેવું જોઇએ અને એકરમાં કેટલા ક્યારા બન્યા છે તેની ગણતરી કરી લઈ, કેટલું બીજ એક ક્યારામાં છાંટવાનું થશે તે નક્કી કરી, પછી તે મુજબ છંટકાવ કરવાથી આખા પ્લોટમાં એક સરખું બીજ છાંટી શકાશે. બીજનો તૂટો નહીં પડે અને વધારો પણ વધશે નહીં. એટલે ક્યાંક ઘાટું, ક્યાંક પારવું (આછું) એવું થવાની શક્યતા રહેશે નહીં.

(2)વાવવું-(સોઇંગ) :મોટાભાગના ખેતીપાકોના બીજની વાવણી દંતાળ-વાવણિયાથી બીજની ખાસિયત મુજબ અર્ધાથી એક ઇંચ સુધીની ઊંડાઇએ હારબધ્ધ રીતે વાવીને કરાતી હોય છે. ખાસ કરીને ચોમાસાની વરસાદ-આધારિત ખેતીમાં ચાસથી વાવણી કરી, પાટલામાંથી નકામાં ઊગી નીકળતાં બીજ દ્વારા થતું નિંદામણ કાઢવા અને ભેજ જાળવી રાખવા આંતરખેડ કરવાની જરૂર પડતી હોય છે, તેવા પાકોનાં બીજ –જુવાર, બાજરી, મકાઇ, તલ કઠોળ, મગફળી વગેરેમાં આ જ પદ્ધતિ પ્રચલિત અને સારી છે. વાવણિયા-દંતાળના દાંતા સાથે પતરાના અગર તો પ્લાસ્ટિકના ‘ડાંડવા’ અને એની સાથે બીજ ઓરવા માટેની ‘ઓરણી’ લગાડેલ હોય છે. જો કે આધુનિક કૃષિ વિજ્ઞાને આજ તો ઓટોમેટિક વાવણિયો બનાવ્યો છે. જે એક સરખા અંતરે બીજ વાવવાં તથા કામની ઝડપ લાવવામાં સફળ પૂરવાર થયેલ છે.

વાવણીમાં રાખવી જોઇતી તકેદારી : દંતાળના જેટલા દાંતામાં બીજ વાવવાનું નક્કી કર્યું હોય, તે દરેક જગ્યાએ સમાન રીતે બીજ પડે છે કે નહીં તે ચકાસી લેવું. કામ શરૂ કરતા અગાઉ બે મૂઠી બીજ ઓરણીમાં ઓરી, નીચે દાંતાનાં ગુલિયાં દ્વારા ચાસમાં પડનારાં બીજનો જથ્થો તપાસી લેવો જોઇએ. જો ઓરણી “કણગર”(બધાં ગુલિયાંમાં એક સમાન બીજ ન પડવું) દેખાડતી હોય તો ઓરણીને બરાબર લેવલે સરખી રીતે બાંધીકે વચ્ચેના વધુ બીજ પાડતા કાણા પર નાનું આવરણ મૂકી, બીજ બધું મુઠ્ઠીમાંથી ઓરણીમાં પડ્યા ભેળું વિંખેરાઇ જઈ, દરેક ડાંડવામાં સમાન રીતે પડે તેમ ગોઠવી લેવું.

(3) થાણવું –(ડીબલિંગ ) : બીજ-વાવણીનો આ પ્રકાર એવો છે કે જેમાં ચાલુ કામે સાંતી-બળદની જરૂર રહેતી નથી. અગાઉથી ચાસ પાડી રાખેલ હોય, કે બીજ રોપવાના નિશાન કરી રાખેલ હોય ત્યાં એક અગર એકીસાથે બે બીજ લઈ, હાથથી જ કોરી અગર ભીની જમીનમાં બીજને થાણવામાં આવે છે. ભીની જમીન કરતાં કોરી જમીનમાં કામ જડપી થાય છે. સામાન્યરીતે થોડા વધારે અંતરથી રોપાતા પાકો – કપાસ, તુવેર, દિવેલા, સૂર્યમૂખી તથા કેટલાક ભીંડા, ગુવાર, ચોળા, વાલ અને દૂધી, તુરિયાં, કારેલાં, તરબૂચ, ચીભડાં જેવા વેલાવાળા પાકોના બીજ હાથથી જ થાણવામાં આવે છે. પછી તે વિરડે હોય કે ચાસે, યોગ્ય ઊંડાઇએ બીજને મૂકવું તે મહત્વનું છે. ક્યારેક વાવણિયાથી વાવેલ મોલાત પારવી –આછી પડતાં ખાલામાં ઘામાં પૂરવામાટે બીજ થાણવાનો કાર્યક્રમ કરવો પડતો હોય છે. મોંઘા બીજવાળા પાકોમાં આ રીત વધારે ઉપયોગી છે.

સાવચેતી : જમીનમાં પડેલા ચાસનો આકાર અંગેજી અક્ષર વી-(V) જેવો હોય છે. બીજ ચાસના સાવ તળિયે ન ચોપતાં વી-V ની એક દિવાલે અધવચ્ચે થાણવાં. ઊંડાણમાં થાણેલ બીજ ઉપર ભારે વરસાદ થતાં માટીનો ઝીણો રેબ ચડી જાય છે, જે સુકાયે કઠ્ઠણ પોપડો બની જાય છે, જે બીજને ઉગાવો લેવામાં ભારરૂપ બની જતાં બીજ બરાબર ઊગાવો લઈ શકતાં નથી. જ્યારે ‘વી’ ની એક દિવાલે ચોપેલ બીજ ઉપર કઠ્ઠણ પોપડો નહીં થતાં બીજ સરળતાથી ઊગી નીકળે છે.

(4) ચોપવું (રોપવું) –(ટ્રાંસ્પ્લાંટિંગ) : બીજનું ધરૂ બનાવી રોપણી કરવામાં આ રીત અખત્યાર છે. વરસાદથી કે પિયતથી કરેલ ભીની જમીનમાં, અગર કોરામાં ચોપી તરત પાછળ પિયત આપવાનું હોય ત્યારે અમલમાં લઈ શકાય છે. ટમેટી, મરચી, રીંગણી, કોબી, શકરિયાં, ડુંગળી, આદુ, હળદર વગેરેને કતારબધ્ધ રીતે છતાં હાથથી જ ચોપવામાં આવે છે. જો કે બટેટાના કટકા, બિયારણની ડુંગળી અને સુરણ જેવાને પણ હાથથી જ ચોપવામાં આવે છે. હવે લસણ અને બટેટાને પણ બાજરી-ઘઉંની જેમ ઓટોમેટિક વાવણિયાથી ચોપાણ શરૂ થયા છે, એ આ મજૂરોની અછતમાં કર્યા જેવું છે. આવું જ નર્સરીમાં ઉછરેલ નેકેડ સ્વરૂપના ફૂલછોડના અને લીંબુ દાડમ સરગવા, જમરૂખ જેવા કઠ્ઠણ સ્વભાવના ફળઝાડના રોપ કે પછી થેલીમાં ઉછેરેલ ફૂલછોડા કે ફળઝાડના રોપાને તેની કાયમી જગ્યાએ ફરીવાર રોપવાની ક્રિયાને પણ “ચોપણી” જકહેવાય છે. તેમાં રોપાની પિંડ ન તૂટે અને પિંડની બધી બાજુ પોચી ભીની માટીને બરાબર દબાણ આપી પાણી પાવું જરૂરી છે.

સાવચેતી : (1) મરચી-ટમેટી જેવા પાકનું ધરૂ ચોપતા અગાઉથી કરી રાખેલ ચાસ-નિશાનમાં ભીની જમીનમાં હાથથી માફકસરનો ખાડો કરી, તેમાં રોપો મૂકી, થડ ફરતી ભીની માટી ગોઠવી, બન્ને હાથના અંગુઠા અને આંગળાંની વચ્ચે રોપાને રાખી, ચારેબાજુથી માટી થોડી દબાવી, પછીથી બાજુમાંથી થોડી ભીની માટી લઈ, થડ ફરતે વેરી દેવાથી રોપો એનાએ પાંદડે ચોટી જાય છે.
(2) કોરામાં ડુંગળી, લસણ, હળદર ચોપાય તો ખુલ્લા ન રહી જાય તે રીતે માટીમાં ઢાંકી દેવાં જોઇએ.

(3) જો ધરૂ વધારે પડતું ઊંચું થઈ ગયેલ હોય તો રીંગણી, મરચી, ડાંગર, બાજરી જેવાનાં ધરૂને રોપતાં પહેલાં અરધેથી ઉપરનો ભાગ કાપી નાખવો, જેથી રોપા ડગશે નહીં, વળી તેથી ઉત્સવેદનમાં ઘટાડો થશે અને જલ્દીથી નવી ફૂટ્ય ફૂટશે.

(4) થેલીમાં ઊગાડેલ રોપાને ફેર રોપણી વખતે માત્ર પ્લાસ્ટિક જ કપાય તે રીતે કોથળી પર બ્લેડથી હળવા હાથે કાપો મૂકી, જાળવીને થેલી દૂર કરી, પિંડના જ માપના અગાઉથી કરી રાખેલ ખાડામાં પહેલાં તળિયે એક ગ્લાસ જેટલું પાણી રેડી, રોપાને પિંડ સહિત અંદર ઉતારી દઈ,ફરતી ભીની માટી પૂરી,દબાવી દેવાથી રોપો સરસ રીતે જમીનને વળગી,ચોટી જાય છે

(5) જો રોપો કે કલમ વધુ ઊંચા હોય તો પવનમાં હલીને નમી ન જાય માટે બાજુમાં વાંસની ખપાટનો ટેકો દઈ, કપડાનો લીરો કે સુતળીથી છોડનેબાંધી દેવો. પવનમાં ધુણાવ્યા-ધુણાવ કરતા રોપા સ્થિર રહે તો જ નવાં મૂળ મૂકી શકેને ?

બધી જ પદ્ધતિઓ અલગ અલગ પરિસ્થિતિઓ અને આવશ્યકતાઓમાં વપરાતી હોય, પણ દરેકનો હેતુ બીજ ધરતી સાથે જીવતુ જોડાણ કેમ જલ્દી મેળવી લે તેની જ ચિંતા કરવાનો છે. ચોટડૂકતાથી જે છોડ જમીનને ધાવવા લાગી જાય છે, તે પછી ક્યારેય પાછો પડતો નથી, અને એ ચોટડૂકતા વાવેતરની યોગ્ય પદ્ધતિથી જ સાધી શકાય છે.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી

વધુ વાંચો....

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના

વધુ વાંચો....

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ

વધુ વાંચો....

ખેતી પાકોમાં “ શોક્ય ” સમાન – નીંદામણનો ઉપાડો : કુદરતની કેડીએ

કુદરતને મન તો માટી ખાઇ જાણનારું આંધળું અળસિયું હોય કે મોટી સ્ટીમર જેવડી વ્હેલ માછલી હોય, ફુંક મારે ત્યાં ઉડી જાય તેવડું ખડમાંકડું હોય કે ભરોટુ ચારો ખાધેય ન ધરાતો હાથીરાજ હોય,

વધુ વાંચો....

કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ

માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન ચલાવે. આખો દિવસ તો બંને કામમાં હોય,

વધુ વાંચો....

કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું

માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની જેમ ઓછી વધુ બંને બાજુની ઊંઘ બાબતે

વધુ વાંચો....

કુદરતની કેડીએ : ખેડૂતોના હિતમાં શેળો ભળે ભેળો…પણ શેઢાડી હાલે અવળી !

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી

વધુ વાંચો....

કુદરતની કેડીએ : પ્રાણવાયુ બમણી ભેટ ધરતું દેવતુલ્ય વૃક્ષ – પીપળો

સાપે દંશ દીધો એવા સમાચાર મળ્યા ભેળું કોઈ એક ઉતાવળિયા જણે દોડતા જઈ પીપળાના કુણા કુણા પાનવાળી બે-ત્રણ તીરખી તોડી લાવવાની….

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks