– હર્ષદ દવે

સીમમાં કે વનમાંથી પસાર થતી કેડી પર ચાલવુંં સાૈ કોઈને ગમે ખુલ્લા રસ્તાની મોકળાશ કેડી પર જોવા ન મળે. એટલે જ કેડી પર નિરવ શાંતિ અને એકાંત માણવાની તક મળે. રસ્તા પર તો માણસો અને વાહનોની અવર જવર હોય. એક સાથે અનેક માણસો જતાં હોય અને સામેથી આવતાં પણ હોય. આ અવર જવર વધતી જાય એટલે રસ્તાને પહોળો બનાવવો પડે. ટ્રાફિક વધતો જાય તો આવન જાવન માટેનો દ્વિમાર્ગી રસ્તો બનાવવો પડે. ધોરી માર્ગ હોય તો દિન-પ્રતિદિન પ્રગતિની સાથે ચારમાર્ગી રસ્તો પણ બનાવવો પડે. હવે તો છ માર્ગી અને આઠ માર્ગી રસ્તાઓ પણ બનવા માંડયા છે. આ રસ્તાઓ ભાૈતિક વિકાસનું પ્રતિક છે. આપણી કેડી આ રસ્તાથી સાવ અલિપ્ત છે.
આપણી કેડી એટલે મારી કે તમારી એક કે બે વ્યક્તિની નથી પરંતુ સાંકડા રસ્તાનું પ્રતિનિધિત્વ કરતી આ કેડી પર એક પાછળ એક એમ સાૈ કોઈ ચાલી શકે છે. કેડી એ પગદંડી છે. ચાલીને જવાનું છે આ કેડી પરથી આગળને આગળ. જંગલ પસાર કરવાનું છે અથવા તો સીમમાંથી ખેતર સુધી પહાેંચવાનું છે. આ પગદંડી પર વાહનો ચલાવી શકાય નહીં. કેડી પર ચાલતાં ચાલતાં સામેથી પણ કોઈ ચાલીને આવતું હોય તો કેડી પર સંકડાઈને તેમને જવા દેવા પડે. એટલે આ કેડી આપણાં ગામની જ માલિકીની છે. બહારના વિશ્વને આ કેડી સાથે કોઈ સંબંધ નથી કારણ કે આ કેડી આપણે કંડારેલી છે. કુદરતી કેડી પરથી જ આપણે ચાલતાં ચાલતાં પ્રગતિ કરીને આપણાં દ્યેય સુધી પહાેંચી શકીશંુ.
પડતર કે બંજર જમીન હોય, ઘાસથી છવાયેલા મેદાન હોય. આવળ, બાવળ, બોરડીના ઝાડી ઝાંખરા હોય તેમાંથી પસાર થવાનું બને અને કાયમી બને તો તે ચીલો બનીને આપણાં માટે કેડી બની જાય છે. દરરોજ ચાલવાનું બને અને એ રોજીંદી ઘટમાળથી કેડી બને અને એ કેડી પરથી પસાર થતી વખતે આપણાં મનમાં પણ ન હોય કે અહીં કેડી બની ગઈ ! પરંતુ એક ચોક્કસ દ્યેય સાથે કે નવા સંકલ્પ સાથે નવી કેડી કંડારવાનું કામ કઠીન છે. ચીલો ચાતરીને નવી કેડીનું સર્જન કરવું કે રોજીંદી ખેતીમાં કંઈક નવા પ્રયોગો કરીને નવા પરિણામો મેળવવા અઘરી વાત છે ભલે સફળતા કે નિષ્ફળતા મળે. કોઈ ધોરીમારગ ન મળે કે સફળતાના દ્વાર ન ખૂલે પરંતુ એક નવી કેડીની રચના કર્યાનો સંતોષ જરૂર મળે છે.
સમગ્ર સૃષ્ટિ એક લયમાં ધબકેછે. વૃક્ષ, પશુ, પંખી, નદી, પહાડ, હવા, પ્રકાશ વગેરે એક બીજા સાથે અનુકૂળ થઈને રહે છે.મોગરાનું ફુલ ગુલાબના ફૂલ કરતાં જરાય ઉતરતી કક્ષાનું નથી. આંબા અને બાવળને આજુ બાજુમાં રહેવામાં જરાય તકલીફ પડતી નથી. સિંહ અને સસલાને એક જ જંગલમાં રહેવું ફાવે છે. સાૈ પોતપોતાના ગુણ પ્રમાણે પૂર્ણપણે વિકસે છે. બાવળને કાંટા હોવાનો બાવળને પોતાને કોઈ વાંધો નથી. આંબામાં કેરી આવે ત્યારે ધમંડથી ઊંચો થવાને બદલે નીચો થઈ નમી પડે છે. આંબા ડાળે કોયલ ટહુકે તો તે બંનેને એક સરખો આનંદ મળે છે. બાવળ પોતે નાળિયેરીની ઊંચાઈને આંબવા કોઈ તરકીબ વિચારતો નથી. કુદરતના ખોળે સર્જાયેલી અને વસતી આ સૃષ્ટિના લોકો એક જ કેડી પર ચાલે છે. ત્યાં ચાલવા માટે માણસને પ્રવેશ બંધી છે.
એ પ્રવેશબંધીના નિયમોનું ઉલ્લંધન કરીને કુદરતની કેડીને આણે ઉજજ્ડ બનાવીએ તો આપણે નગુણા કહેવાઈએ. ફુલ પાસેથી, નદી પાસેથી કે પર્યાવરણની સમગ્ર જીવસૃષ્ટી પાસેથી આપણાં જીવનની શાંતિ, જીવનનો વિકાસ અને જીવનની પ્રગતિને ઓળખીએ અને પામીએ. વૃક્ષ-વૃક્ષ બને, ફુલ-ફુલ બને તો આપણે માનવ-માનવ બનીએ, આપણી કેડી પર ચાલતાં ચાલતાં એકબીજા અનુકૂળ બનતાં હોય, મદદરૂપ થતાં હોય, પ્રેમ કરતાં હોય એવા માનવ, આપણી કેડી પર ચાલીને આપણી સૃષ્ટિનું અલગ સર્જન કરીએ અને વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિની કેડીને જાળવતા રહીએ.
આપણી કેડી બે, પાંચ કે દશ માણસો આગળ પાછળ ચાલી શકે તેવી છે. કુદરતની કેડીએ ચાલતાં ચાલતાં આપણે આપણો કૃષિનો ધર્મ જાળવવાનો છે, પાળવાનો છે અને તેનો આનંદ માણવાનો છે. બહારથી કૃષિક્ષેત્રે ચિત્ર વિચિત્ર પ્રચારોના કોલાહલ પ્રવેશે છે તેને અટકાવવીએ, પંખીના ટહુકા, તમરાંનું સંગીત, પવનના સુસવાટા કે સીમની નિરવ શાંતિનો આનંદ બહારના કોલાહલથી ખળભળી ઊઠે છે. આ કેડી પર આપણી ખેતીની યાત્રાને આપણે જ સન્માર્ગ વાળવાની છે. અચાનક સત્યને ન સમજી શકીએ તે સાચું. પણ આ ખોટું છે. તે સમજાય તો પણ સત્યની કેડી પર ચાલવાની અરધોઅરધ સિદ્ધિ ગણાય. આપણે જાગૃત રહીને મજબુત મનોબળ કેળવીએ તો જ ભવિષ્યની પેઢીને કુદરતી વારસો અને પ્રગતિશીલ ખેડૂતની ભેટ આપી શકીએ.
કુદરતને નિયંત્રણમાં રાખવા સંશોધનકારો અને વૈજ્ઞાનિકો પ્રયત્નશીલ છે. પરંતુ આ સંશોધનો પોતાના ખેતર પર અમલમાં મુકવા માટે આપણે કેટલા કટિબદ્ધ કે પ્રતિબદ્ધ છીએ ? અથવા તો એ વૈજ્ઞાનિકોના રસ્તાથી પણ અલગ ચીલો ચાતરવા માટે કેટલા ખેડૂત ભાઈઓએ કયારે સંકલ્પ કર્યો ? એવો ચીલો ચાતરવાની કે નવી કેડી કંડારવાની હિંમત સામાન્ય ખેડૂત પાસે નથી. કશો વાંધો નહીં આપણી સામે અને આપણી સાથે છે એ પણ ઘણું છે. જે પ્રગતિ થઈ છે તે વિજ્ઞાનને આધારે થઈ છે. વિજ્ઞાન કુદરતની સામે ઢાલ બનીને ઊભું રહ્યું છે. કુદરતના રહસ્યો એક પછી એક છતાં થતાં જાય છે. છેલ્લા પચ્ચીશવર્ષોમાં કૃષિમાંએવા સંશોધનો થયા કે જેમાં વિજ્ઞાને કુદરતની સામે જબરજસ્ત લડાઈ આપીને કુદરતને વશ કરવાના પ્રયત્નો કર્યા.
વિજ્ઞાનના માર્ગ માણસની આ હરણફાળ સર્જનાત્મક છે કે વિનાશક તે તો આવનારો સમય જ કહેશે કારણ કે રચનાત્મક પરિણામો કરતાં વિસર્જનનું પ્રમાણતો અત્યારે જ નજર સમક્ષ આવવા લાગ્યું છે. “ગ્લોબલ વોર્મિંગ’ અને “સજીવ ખેતી’ આ બે શબ્દો સાૈ કોઈના હોઠે રમતાં થઈ ગયા છે પરંતુ હૈયે વસ્યા નથી. જો કુદરતની કેડી અને વિજ્ઞાનના રસ્તા ને સમાંતર રાખીને ચાલીશું નહી તો કૃષિ અને પર્યાવરણનો અંત નજીકના ભવિષ્યમાં હશે. આથી ભાૈતિક પ્રગતિની દોટમાં આપણી કેડી પરથી લપસી ન પડીએ, કોઈ પથ્થરની ઠેસ ન લાગે એ રીતે સમતોલન રાખીને આગળ વધીએ. બંનેનો સમન્વય કરીને કૃષિનું જીવન ઉજાળીએ.














