
શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો જરૂરી છે. નિંદણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ દ્વારા કરતા રહેવું જોઈએ. તેમ છતાં પૂરતા પ્રમાણમાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીચે જણાવ્યા પૈકીની ગમે તે એક નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જરૂરી છે. (૧) એટ્રાઝીન (પ્રિ.ઈમર્જન્સ) ૨.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ (કિ.સ.ત.) પ્રતિ હેક્ટર છાંટવું અને ૨, ૪-ડી સોડીયમ સોલ્ટ વાવણીના ૬૦ દિવસ પછી ૧.૦ કિ.સ.ત./હે. છાંટવું અથવા (૨) મેટ્રીબ્યુઝીન (પ્રિ.ઈમર્જન્સ) ૧.૦ કિ.સ.ત./હે. છાંટવું અને વાવણીના ૬૦ દિવસ પછી એક વખત હાથથી નિંદણ કરવું અથવા (૩) ૨-૪ ડી સોડિયમ સોલ્ટ ૧ કિ.સ.ત./હે. (ફેરનોકઝોન ૧૦ લિટર પાણીમાં ૨૦.૮ ગ્રામ) અને ગ્રામકઝોન ૦.૬ કિ.સ.ત./હે. (ગ્રામકઝોન ૧૦ લિટર પાણીમાં ૩૩.૩ મિ.લિ.) ૬૦૦ લિટર પાણીમાં ઓગાળી ૩૦ અને ૬૦ દિવસે એમ બે વાર છાંટવું. ઉપરોક્ત નિંદણનાશક દવાઓ પૈકી કોઈ પણ એક દવા હેક્ટરે ૬૦૦ લિ. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. સામાન્ય રીતે ડાંગર પછી શેરડીની રોપણી સમયે પેન્ડીમીથાલીન દવાનો ઉપયોગ ન કરવો. નિંદણનાશક દવાના છંટકાવ માટે ફ્લેટજેટ નોઝલનો ઉપયોગ કરી સારી ગુણવત્તાવાળું ચોખ્ખુ પાણી વાપરવું.























