
આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા અલગ અલગ હોય છે. પણ ક્યાં ક્યાં તત્વો જોઈએ તેની વાત કરું તો કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો આપણને કુદરત પાસેથી ફ્રી મળે છે. આ ઉપરાંત ત્રણ મુખ્ય તત્વો નાઈટ્રોજન-ફોસ્ફરસ અને પોટાશ જેને આપણે એન.પી.કે. કહીએ છીએ તે પૂરતા જથ્થામાં પાકને જોઈએ છે. ત્રણ ગૌણ તત્વો માં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરની જરૂરીયાત હોય છે આ તત્વો અલગ – અલગ પાકની જરૂરીયાત પ્રમાણે ઓછી વત્તી માત્રામાં જરૂર પડે છે. આ ઉપરાંત આયર્ન (લોહતત્વ), મેંગેનીઝ, ઝીંક, કોપર (તાંબુ), બોરોન, મોલીબ્ડેનમ નામના સૂક્ષ્મ તત્વોની પણ જરૂરિયાત હોય છે.આ વાત આપણે વખતો વખત કરીયે છીએ તે પ્રમાણે અમલ કરશો તો ઉત્પાદન જરૂર વધશે .



























