
આત્મારામ રામાભાઈ પ્રજાપતિ, મુ. પારસા
લીમડાના પાન, સીતાફળી ના પાન અને સરગવાના પાનને છાણ સાથે સડાવીને તેનું દ્રાવણ અથવા અર્ક બનાવવાની પદ્ધતિ પારસા ગામના આત્મારામ ભાઈ એ વિકસાવી છે.
ખેડૂતના જણાવ્યા અનુસાર, ત્રણ ફૂટ પહોળા અને છ ફૂટ લાંબા સિમેન્ટના ટાંકામાં આ પ્રક્રિયા કરીએ છીએ. સહુ પ્રથમ ૧૦ કિલો તાજા છાણનો થર કરીએ છીએ. તેની ઉપર પાંચ કિલો સરગવાના પાન પાથરીએ છીએ. તેની ઉપર ફરી ૧૦ કિલો છાણની રબડી પાથરીએ છીએ. ફરી ઉપર પાંચ કિલો લીમડાના પાન અને છાણની રબડી, તેની ઉપર પાંચ કિલો સીતાફળના પાન; આમ ક્રમશઃ ટાંકો ભરી દઈએ છીએ. ટાંકાની વચ્ચેના ભાગમાં પીવીસી પાઇપ વડે હોલ પાડીએ છીએ. આ જે ટાંકો છે, એમાં નીચેની બાજુ એક નળ અમે ફિટ કર્યો છે. અંદર રહેલ સરગવા, લીમડા અને સીતાફળના પાન છાણની રબડીના સંપર્કથી સડવાની ક્રિયા થાય છે. ઉપરથી ભેજ-પાણી આપતા રહીએ છીએ. લગભગ ૨૦ દિવસ પછી અમે નીચે રહેલ નળ ખોલીને તેમાંથી દ્રાવણ મેળવીએ છીએ. જેટલું દ્રાવણ જોઈએ એટલું ઉપરથી પાણી નાખીએ છીએ, અને બીજા- ત્રીજા દિવસે આ દ્રાવણ કાઢીએ છીએ. એટલે એક રીતે જોઈએ તો આ ત્રણેય વનસ્પતિઓ છાણ સાથે સડવાની પ્રક્રિયા કરે ત્યારે તેમાંનો અર્ક બહાર આવે છે. ૧૫ લીટર પાણીમાં ૫૦૦ મિલી પ્રમાણે પાક ઉપર છંટકાવ કરવાથી તમામ પ્રકારની ચૂસીયા જીવાત અને ઇયળ પાકને નુકસાન કરી શકતી નથી. ફળ ફૂલ વધે છે. પિયતના પ્રવાહમાં પણ ટીપે ટીપે આપીએ છીએ, અને એનું ખૂબ સારું પરિણામ અમને પ્રાપ્ત થયું છે. કપાસના પાકમાં આ પદ્ધતિ અમે અજમાવી છે અને ખૂબ સારુ પરિણામ મળ્યું છે.











