
કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ કહેવાય છે.
દુનિયાના ઘણા દેશોમાં છેલ્લા ત્રણ દાયકાઓના સંશોધનના પરિણામે બે હાર વચ્ચે ૩૮ થી ૭૬ સેમી.ના અંતરે તથા એક મીટર લંબાઈમાં ૮ થી ૧૦ છોડ વાવી શકય તેવી કોમ્પેક્ટ પ્રકારની કપાસની જાતો વિકસાવવામાં આવેલ છે. જે આ વાવેતર પદ્ધતિ માટે અનુકૂળ થઈ શકે તેમ છે. આ પદ્ધતિ દુનિયાના ઘણા દેશોમાં પ્રચલિત બનેલ છે અને તેના ઘણા જ ઇચ્છિત પરિણામો પણ મળેલ છે. દુનિયામાં કપાસ પકવતા દેશો જેવા કે ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, સ્પેન અને ગ્રીસ જેવા દેશોમાં પાસના કુલ વિસ્તારના ૫૦% કરતા વધુ વિસ્તારમાં આ પદ્ધતિ અપનાવવાથી પોતાની રાષ્ટ્રીય ઉત્પાદકતામાં તેઓ ઘણો જ વધારો કરી શક્યા છે.


























