
જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખ્ખું, . ઝાકળમુકત, સુકું અને ઠંડુ હવામાન માફ્ક આવે છે. વૃદ્ધિ તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સૂકું હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉંડી ખેડની જરૂર નથી, પરંતુ વર્ષમાં એકવાર ઊંડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઊભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના કયારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઊંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહીં. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો વાવેતર ત્યાંથી દૂર કરવું હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતર પણ હિતાવહ નથી.



















