
ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી ખોરાક અથવા ઔષધીય તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કાકડીમાં લગભગ ૯૬% પાણી હોય છે, જે ઉનાળાની ઋતુ માટે સારું છે. પોલીહાઉસમાં કાકડીની ખેતી વિશ્વના ઘણા દેશોમાં ખૂબ પ્રખ્યાત છે. સાધારણ ગરમ આબોહવા સારી વૃદ્ધિ માટે જરૂરી છે. છોડની વાત કરવામાં આવે તો રુંવાટીવાળા પાંદડા, ત્રિકોણાકાર આકાર અને પીળા રંગના ફૂલ હોય છે. કાકડી એ મોલીબ્ડેનમ, વિટામિન અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે અને તેનો ઔષધીય તરીકે ઉપયોગ ત્વચાની લગતી સમસ્યાઓ માટે વિવિધ સૌંદર્યની બનાવટો બનાવવા માટે કરવામાં આવે છે. કાકડીની રક્ષિત ખેતી ખુલ્લી ખેતી કરતાં વધારે ઉત્પાદકતા અને શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરી આપે છે. રક્ષિત ખેતી કેમ ? અત્યારના આ બદલાયેલા વાતાવરણમાં ખેતી એક પડકાર બની ગયેલ છે. તો આવી પરિસ્થિતિમાં રક્ષિત ખેતી થકી બજારમાં સારા એવા ભાવ લેવા માટે વહેલા અથવા મોડા પાકો લઈ સારી એવી કમાણી કરવાનું એક સાધન એટલે રક્ષિત ખેતી.
























