
જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા દેખાય છે. રોગિષ્ટ છોડ ચીમળાઈ જઈ કાળો પડી જાય છે. દાણા બેસતા નથી. જો દાણા બેસે તો કાળા અથવા ચીમળાયેલા અને નાના દાણા બેસે છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી ૪૦ દિવસે થાય છે.
રોગની શરૂઆત ખાસ કરીને એકમ વિસ્તારમાં વધારે છોડ અને કયારામાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી થતી જોવા મળે છે. શિયાળાની ઋતુમાં ઘણી વખત કમોસમી વરસાદ (માવઠું) અને વાદળછાયુ વાતાવરણ થાય ત્યારે આ રોગની વૃધ્ધિ અને ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે તેથી પાક નિષ્ફળ જાય છે.
























