
કાર્ય પધ્ધતિ :
કાર્બોક્ષીન ફૂગનાશક મુખ્યત્વે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે વપરાય છે. કાર્બોક્ષીન ફૂગનાશક સક્સીનેટ ઓક્સિડેશનની સાઇટ પર અથવા તેની નજીકના મિટોકોન્ડ્રીયલ શ્વસનને અટકાવી ફૂગમાં શ્વસનની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.
બનાવટો :
આ ફૂગનાશક ૭૫% ડબલ્યુપી (વેટેબલ પાઉડર એટલે કે પાણીમાં ભીંજવી શકાય તેવા ભૂકારૂપ) સ્વરૂપે ઉપલબ્ધ છે.
વ્યાપારી નામો :
કાર્બોક્ષીન ૭૫% ડબલ્યુપી બજારમાં વાયટાવેક્ષના બજારૂં નામે મળે છે. જ્યારે કાર્બોક્ષીન ૩૭.૫% + થાયરમ ૩૭.૫% ડીએસ (ડ્રાય સીડ ડ્રેસર એટલે કે સુકી બીજ માવજત માટે પાવડર)નું તૈયાર મિશ્રણ બજારમાં વાયટાવેક્ષ પાવરના નામે ઉપલબ્ધ છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ મુજબ: બીજજન્ય રોગો જેવા કે ઘઉંનો ધ્વજ અંગારીયો, અનાવૃત અંગારીયો, બન્ટ, જવનો અનાવૃત અંગારીયો, કવર્ડ સ્મટ અને કપાસમાં જીવાણુંથી થતો ખૂણીયા ટપકાંનો રોગ નિયંત્રણમાંબીજ માવજત તરીકે વપરાય છે. સામાન્ય રીતે તેની ૧.૫-૧.૮૭૫ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપવાની ભલામણ છે.
ઉપયોગ માટે ભલામણ :
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની ભલામણો મુજબ) : ઘઉંમાં આવતો બીજજન્ય રોગ અનાવૃત અંગારીયાના નિયંત્રણ માટે કાર્બોક્ષીન (વાયટાવેક્ષ) ૨ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપવાની ભલામણ થયેલ છે.



















