
પંકજની નોકરી જવાબદારીવાળી. એને સતત પ્રવાસમાં રહેવું પડે. આજે ઇન્દોર તો કાલે ભોપાલ. ત્યાંથી વળી રતલામ ને ઉજ્જૈન. આજે સવારે જ તો હજી ગ્વાલિયરથી આવ્યો. આવીને નાહી-ધોઈને આટલા દિવસમાં આવેલી પોસ્ટ જોવા બેઠો ત્યાં તો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં કામ કરતો એનો મિત્ર રમાકાંત આવી પહોંચ્યો, “અરે પંકજ, આવી ગયો ? ચાલ, બહુ સારું કર્યું, એકદમ સમયસર આવ્યો.’
“કેમ, સમયસર એટલે?’ “આજથી મેળો ચાલુ થયો, ભૂલી ગયો?’ દર વર્ષે કાલી ઉત્સવ સમયે પાંચ દિવસના ભવ્ય મેળાનું આયોજન થતું. આસપાસનાં કેટલાંય ગામોમાંથી લોકો ઉમટી પડે. કેટલીય વસ્તુઓના ર્સ્ટાલ, પ્રદર્શન, જાદૂના ખેલ, ર્માતના કૂવામાં છલાંગ, ખાણીપીણી મેળામાં દર વર્ષે કંઈ ને કંઈ નવું આકર્ષણ ઉમેરાય. આ વર્ષે મેળાની તમામ તૈયારીનો કાર્યભાર રમાકાંતને માથે હતો.
“હા, બરાબર. આજે મેળાનો પહેલો દિવસ છે નહીં ? કેમ, જોરદાર છે ને તૈયારી ?’ એ જેવા તો તારે મારી સાથે આવવું પડશે. સાંજે પાંચ વાગે તૈયાર રહેજે.’
“બહુ થાકીને આવ્યો છું યાર, આજે નહીં, કાલ પર રાખને!’ “અરે, થાક-બાક ક્્યાંય ભાગી જાય એવો અફલાતૂન ર્શા બતાવવાનો છું. ચાલ જાઉં, સાંજે મળશું.’
પંકજને ખબર હતી કે, રમાકાંત કંઈ એને છોડવાનો નથી. મનેકમને એ સાંજે તૈયાર થયો. સાચે જ, મહેનત કરવા અને કરાવવામાં રમાકાંતે કશી કસર નહોતી રાખી, કલાત્મક કમાનવાળું પ્રવેશદ્વાર, ચારેકોર રોશનીની ઝાકઝમાળ અને નીતનવી ચીજોની જાહેરખબરોનાં બોર્ડ જોઈને લાગતું હતું જાણે બીજી જ દુનિયામાં આવી ગયા હોઈએ. રમાકાંત સાથે રહીને પંકજને બધું બતાવતો જતો હતો. મેદાનની વચ્ચોવચ્ચ એક ઊંચો મંચ બનાવ્યો હતો. એ તરફ ઈશારો કરતાં એણે કહ્યું, ‘જો પંકજ, ત્યાં છે. આ મેળાનું ખાસ આકર્ષણ. હું શરત મારીને કહી શકું કે, આજ સુધી આવો ર્શા તારા જોવામાં નહીં આવ્યો હોય.’ પંકજે નજર કરી તો જાણે વશીકરણ થયું હોય એમ આંખો પલકારો મારવાનું ભૂલી ગઈ. ગાંધીજીની પૂરા કદની મૂર્તિ. એની પર પડતી રોશનીને કારણે જાણે આરસપહાણમાંથી બનાવી હોય એમ ચમકતી હતી. પંકજની કલાપારખુ દષ્ટિ ત્યાં જડાઈ ગઈ. આટલી બેનમૂન મૂર્તિ બનાવનાર કલાકાર કોણ હશે ? કઈ રીતે એ આટલી બારીકીથી પથ્થર કંડારી શક્્યો હશે ? એના મોંમાંથી વારંવાર વાહ વાહના ઉ•ારો નીકળી જતા હતા. ‘ ગાંધીજીના સ્ટેચ્યુના એક હાથમાં લાઠી હતી, બીજો હાથ કમરની પાછળની બાજુ વળેલો. ગાંધીજીની ઝડપી ચાલ આબેહૂબ બતાવતો એક પગ આગળ ધપતો, ઘૂંટણમાંથી સ્હેજ વળેલો. બીજો પગ ઊપડવાની તૈયારીમાં ફક્ત પંજા પર ટકેલો. પોતડીની ઉપર કમરના ભાગેથી લટકતી બાપુની ઘડિયાળ, સુકલકડી શરીર પર ગણી શકાય એવી પાંસળીઓ. બાપુ જાણે ક્્યાંક પહોંચવાની ઉતાવળમાં હોય એવા ચહેરાના હાવભાવ- બધું, બધું જ સંપૂર્ણ હતું પણ…. હા, આ પગની પીંડીઓ બનાવવામાં કલાકાર, સ્હેજ થાપ ખાઈ ગયો. બાપુની પીંડીઓ કરતાં મૂર્તિની પીંડીઓ થોડી વધુ ભરાવદાર લાગતી હતી. બસ, આ નાનકડી ત્રુટીને બાદ કરતાં આખી મૂર્તિ સંઘેડાઉતાર હતી.
“રમાકાંત, સાચે જ આ મૂર્તિની પ્રશંસા કરવા મારી પાસે શબ્દો નથી. તે તો યાર, કમાલ કરી. ક્્યાંથી શોધી લાવ્યો આ મૂર્તિ ? એને બનાવનાર કલાકાર ક્્યાં છે ?’ “પંકજબાબુ, એક કલાકાર હોવા છતાં પારખી ન શક્્યા ને ? આ મૂર્તિ નથી સાહેબ, જીવતો જાગતો માણસ છે માણસ !’
હોય નહીં. એક માણસ કલાકો સુધી આમ પૂતળાની માફક શી રીતે ઊભો રહી શકે ?’ “એ જ તો એની ખૂબી છે. આટલા નજીક ઊભા રહીને પણ તમને ખબર ન પડે કે આ મૂર્તિ છે કે આદમી !’
પંકજે રમાકાંત પાસે બધી માહિતી લઈ લીધી. આ ઉડિયા માણસનું નામ હતું બિગુલ. રમાકાંતે રાયગઢમાં બાબા આંબેડકરના વેશમાં જોયેલો ત્યારથી નક્કી કર્યું હતું કે, મા કાલીના મેળા વખતે આને લઈ આવીશ. પાંચ દિવસ રોજ સાંજે ૬ થી ૯ ત્રણ કલાક આમ એકધારા ઊભા રહેવા માટે એને મળવાના હતા પ્રતિદિન રૂપિયા ચારસો ! એવી તે કઈ મજબૂરી એની પાસે આવા ખેલ કરાવતી હશે ? પંકજનો જીવ બિગુલ માટે ચચરી ઊઠયો.
ને બીજે દિવસે રમાકાંતે કહેલા સરનામે એ મંદિર પાછળની ઝૂંપડપટ્ટીના તૂટ્યા-ફટયા ઘર આગળ પહોંચ્યો. બંધ બારણે ટકોરો માર્યો તો બિગુલની પત્નીએ બારણું ખોલ્યું. એના બંને હાથ સફેદ માટીથી ખરડાયેલા હતા. દરવાજે મોટા સાહેબને ઊભેલા જોઈ એજરા ઝંખવાઈ ગઈ. પોતાની જીવન ક્તિાબ ખોલતાં બિગુલે કહેલી વાતોનો સાર કંઈક આવો હતો
ત્રણ બહેનો પછી જન્મેલો બિગુલ મા-બાપની આંખનો તારો હતો, પણ હજી તો એ માંડ સાત વર્ષનો થયો ત્યાં ધરતીકંપમાં બધું નેસ્ત-નાબૂદ થઈ ગયું ! મા-બાપ-બહેનો, ઘર બધું જ ગયું. ફક્ત એની જીવનરેખા લાંબી હશે તે બચી ગયો. આમતેમ ભટકી, માંગીભીખીને જેમતેમ પેટનો ખાડો પૂરતો.
અચાનક ગામેગામ ફરતી કોઈ નાટકમંડળીમાં કામ કરતો કલાકાર માંદો પડયો ત્યારે એની જગ્યાએ બિગુલને લીધો. એણે ફક્ત સ્ટેચ્યુ બનીને મૂંગામૂંગા ઊભા રહેવાનું હતું. એનો અભિનય ખૂબ વખણાયો. બસ, ત્યારથી આ કામ કોઠે પડી ગયું. નાટકોમાં કામ કરતાં કરતાં જ પૂર્ણિમા મળી ગઈ. એકને બદલે બે થયાં. વધુ નહીં તો બે જણનાં પેટ ભરવા જેટલું તો કમાવું પડે ને ? – પંકજનું ધ્યાન હવે પૂર્ણિમા તરફ ગયું. સફેદ પાઉડરવાળા એના હાથ જોઈ એણે પૂછ્યું, ‘આ શું, તમારો મેકઅપ કરી રહ્યાં છે ?’ ‘ના સાહેબ, મેકઅપ તો એકદમ ર્શાના ટાઈમ જ કરાવવાનો. આ તો કલાકો સુધી ઊભા રહેવાને લીધે લોહી ગંઠાઈ જાય છે, નસો ફૂલી ગઈ છે. એ લોકોને દેખાઈ ન જાય એટલે કપડાના પટ્ટા પર ચૂનો લગાવી પગની પીંડીએ બાંધવા પડે છે. દાંડીકૂચ માટે નીકળેલા ગાંધીજીના પગ કંઈ ગાંઠોવાળા થોડા જ હોય?’ પંકજનું હૈયું કોઈ અજબ દુ:ખથી ભરાઈ ગયું. એનાથી બોલાઈ ગયું, “આ તે કેવી દાંડી માર્ચ?’ (વિધા ગુપ્તાની હિંદી વાર્તાને આધારે)
- આશા વીરેન્દ્ર


















