
પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીને ત્રણ માળવાળી ગોઠવણી કરીએ. વેલાવાળા પાકો-તુરિયાં,કારેલાં, ટીંડોરાં, કંકોડાં, ગલકાં, દૂધી વગેરેના વેલાને સીધા જમીનની સપાટી ઉપર પથરાવા ને બદલે મંડપ બનાવી, વેલાને તેના પર ચડાવીએ તો સૂર્યપ્રકાશ મેળવતાં પાંદડાંનું ક્ષેત્રફળ વધી જાય, એટલે ઉત્પાદન આપણને સવાયું-દોઢું સહેજે મળે !

























