
ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબામાં મિથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે. ૫ સે.મી. × ૫ સે.મી. ના પ્લાયવુડ બ્લોકને ૪૦ મિ.લી. મિથાઈલ યુજીનોલ + ૬૦ મિ.લી. ઈથાઈલ આલ્કોહોલ અથવા અન્ય કોઈ સોલ્વન્ટ કે જેમા મિથાઈલ યુજીનોલને દ્રાવ્ય કરી શકાય + ૧૦ મિ.લી. મેલાથીયોન ૫૦ ઇસી/સ્પીનેટોરામ ૧૧.૭એસસી ૭.૫ મિ.લી. ના દ્રાવણમાં ર૪ કલાક ડૂબાડી રાખી છાંયડામાં સૂકવવા. આવા તૈયાર કરેલ ૧૬ બ્લોક પ્રતિ હેકટર આંબાવાડીયામાં લટકાવવા.
વેલાવાળા શાકભાજીમાં ક્યુલ્યુરયુકત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. * વેલાવાળા શાકભાજીમાં ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૭૦૦ ગ્રામ ગોળ ૧૫ લિટર પાણીમાં ઓગાળવો. બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં સાયાન્ટ્રાનિલિપ્રોલ ૧૦ ઓડી ૨૫ મિ.લી. અથવા મેલાથીયોન ૫૦ ઇસી ૧૫ મિ.લી. ભેળવીને ફૂલ આવ્યા બાદ મોટા ફોરા પડે તે રીતે વાડીમાં ૭ મીટર x ૭ મીટરના અંતરે છંટકાવ કરવો. જરૂર પડે તો એક અઠવાડિયા બાદ ફરીવાર છંટકાવ કરવો.



















