
કાર્ય પધ્ધતિ :
પ્રોપિકોનાઝોલ એ ટ્રાયાઝોલ સંયોજનનું શોષક ફૂગનાશક છે જે રોગ પ્રતિબંધક/રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે. પ્રોપિકોનાઝોલ છોડની અંદર રહેલા ફૂગ-રોગાણૂ ઉપર જ્યારે ફૂગની કવચજાળ ઉપર પ્રથમ વખત ચૂષકાંગો બને છે ત્યારે અસર કરે છે. તે ફૂગના કોષોના કોષાવરણના સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધીને ફૂગનો વિકાસ અટકાવે છે.
આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા જ મુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા, બેસીડીયોમાયકોટા) સામે રક્ષણ આપે છે.
બનાવટો :
પ્રોપિકોનાઝોલ બજારમાં ૨૫% ઈસી (ઇમલ્સીફાએબલ કોન્સેન્ટ્રેટ/પ્રવાહી સ્વરૂપ) સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
ટીલ્ટ, બમ્પર, ધન, વીન, પેરીડો, ફાઇનલ, પ્રોપાસ્ટાર, બીલ્ટ, સીઝલ, શાઇન, સોના, પ્રોપીક્રોન, પ્રોપર, ટ્રોવીઝોલ, પ્રોપીગાર્ડ, પ્રોપીક, રીઝલ્ટ, ટાઇડ, ઝેરોક્ષ જેવા બજારૂં નામે ઉપલબ્ધ છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ : આ ફૂગનાશક મુખ્યત્વે ઘઉં (કર્નાલ બન્ટ, પાન/થડ/પીળો ગેરૂ), ડાંગર (પર્ણચ્છેદ સૂકારો), મગફળી (પાનનાં ટપકાં, ગેરૂ) અને સોયાબીન (ગેરૂ) જેવા પાકોમાં વિવિધ રોગના નિયંત્રણમાં વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ :
આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ બટાટા (આગોતરો સુકારો), જીરૂ(ચરમી), ધાણા, જીરૂ, આંબો(ભૂકીછારો), તલ(ઓલ્ટરનેરીયા ફુગથી થતા પાનનાં ટપકા) વગેરે પાકમાં રોગોનાં નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે પ્રોપિકોનાઝોલનો ૭-૧૦મિલિ પ્રતિ૧૦ લિટર પાણીમંા ભેળવી છંટકાવ કરવામાં આવે છે.



















