
ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જુદા જુદા સ્વરૂપ (formulation)માં કીટનાશકો મળે છે. તે પૈકી પાક સંરક્ષણમાં દાણાદાર (ગ્રેન્યુલ્સ) સ્વરૂપે મળતા કીટનાશકોનું આગવું મહત્વ રહેલું છે. દાણાદાર સ્વરૂપે મળતા કીટનાશકોમાં આપણે ત્યાં ખાસ કરીને કાર્બોફયુરાન, કારટાપ હાઈડ્રોકલોરાઈડ કાર્બોસલ્ફાન અને ફોરેટનો ઉપયોગ થાય છે. આવા દાણાદાર કીટનાશકોમાં અનુક્રમે ૩, ૪, ૫ અને ૧૦ ટકા સક્રિય તત્વ રહેલું હોય છે. રાજ્યની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાણાદાર કીટનાશકો અંગે સંશોધન આધારીત કેટલીક ભલામણો કરેલ છે. કેટલાક ધાન્ય પાકો (ડાંગર, જુવાર, મકાઈ, તેલીબિયાના પાકો (મગફળી સોયાબીન), શાકભાજીના પાકો (રીંગણી મરચી, ટામેટી, બટાટા), કઠોળ પાકો (મગ, મઠ, અડદ, ચોળા) અને શેરડીના પાકમાં દાણાદાર કીટનાશકોનો ઉપયોગ કરવાની ભલામણો થયેલ છે.
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ડાંગરના પાકમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઈ જતો હોવાથી દક્ષિણ ગુજરાતનાં ડાંગર ઉગાડતા ખેડૂતોને ધરૂવાડીયામાં કાર્બોફ્યુરન અથવા કારટેપ હાઈડ્રોકલોરાઇડ દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./ગુંઠા (૧૦૦ ચો.મી.) વિસ્તાર દીઠ આપવાની ભલામણ છે. ડાંગરના ઉભા પાકમાં કાર્બોફ્યુરન (૩૩ કિ./હે.) અથવા કારટાપ હાઈડ્રોકલોરાઈડ (૨૫ કિ./હે.) અથવા કાર્બોસલ્ફાન (૨૦ કિ./હે.) બે વખત આપવાની ભલામણ છે. તે પૈકી પ્રથમ હપ્તો ડાંગરના પાકમાં જીવાતોનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને બીજો હપ્તો ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવાથી ગાભમારાની ઈયળ અને થડમાંથી રસ ચુસનાર ચુસીયા (બદામી અને સફેદ પીઠવાળા) નું નિયંત્રણ થાય છે. ઘણી વખત ડાંગરના પાકમાં મૂળના ચાંચવા (રૂટ વીવીલ) નામની જીવાતની ઇયળ અવસ્થા તાજી રોપેલી ડાંગરના તંતુમૂળ કાપી ખાઈને નુકસાન કરે છે. આવા કિસ્સામાં દાણાદાર કીટનાશકોનો ઉપયોગ કરવાથી તેનું નિયંત્રણ થાય છે.
જુવાર અને મકાઇના પાકમાં ગભમારાની ઈયળના નિયંત્રણ માટે દાણાદાર કીટનાશકો અસરકારક જણાયેલ છે. જુવારના બીજ ઉત્પાદન માટેના પ્લોટમાં વાવણી વખતે કાર્બોફ્યુરાન પ્રતિ એક મીટર ચાસમાં ગ્રામ પ્રમાણે જમીનમાં આપવાથી સાંઠામાખીની અટકાયત થાય છે. તે જ પ્રમાણે મકાઈના પાકમાં કાબોફ્યુરાન ૧૦ કિ/હે પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન કરતી ગાભમારાની ઈયળ સામે રક્ષણ મળે છે. મકાઈ અને જુવારના પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે વાવણી બાદ ૨૦-૨૫ દિવસે કાર્બોફ્યુરાન દાણાદાર કીટનાશક ૮-૧૦ કિ/હે પ્રમાણે પાનની ભૂંગળીમાં આપવાની ભલામણ થયેલ છે.
મગફળીના પાકમાં ઘણ અથવા મુંડા (ડોળ) નામની જીવાત અગત્યની ગણાય છે. મગફળીના વાવેતર પહેલા ચાસમાં ફોરેટ (૨૫ કિ/હે) દાણાદાર કીટનાશક આપવાથી ધૈણની અટકાયત થાય છે. તેજ પ્રમાણે સોયાબીનમાં ગર્ડલ બીટલ (સ્ટેમ બોરર) અગત્યની જીવાત છે. આ જીવાતની ઈયળ છોડના થડમાં કાણું પાડી અંદર ભરાઈ રહી થડનો ગર્ભ કોરી ખાય છે. સોયાબીન વાવતી વખતે ફોરેટ (૧૦ કિ/હે) અથવા કાર્બોફ્યુરાન (૩૦ કિ/હે) ચાસમાં આપવાથી આ જીવાતનું નિયંત્રણ થાય છે.
રીંગણી, મરચી અને ટામેટી જેવા શાકભાજીના પાકોમાં પાકની શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો (તડતડીયાં સફેદમાખી અને થિ્રપ્સ)થી સારા એવા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. આવા કિસ્સામાં ધરૂની ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન દાણાદાર (૧૭ કિ/હે) આપવાથી લગભગ એકાદ મહિના સુધી ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ પુરૂ પાડે છે. કેટલીક વખત ટામેટી અને મરચીના ધરૂવાડીયામાં પણ કાર્બોફયુરાન આપવાની જરૂર પડે છે. બટાટાના પાકમાં થડ/ કંદ કાપી ખાનાર ઇયળ (કટવર્મ)ના નિયંત્રણ માટે ફોરેટ બે હપ્ત (પ્રથમ હપ્તો) ૭.૫ કિ/હે બટાટાના વાવેતર વખતે ચાસમાં અને બીજો હપ્તો ૭.૫ કિ/હે બટાટા ઉગ્યા બાદ ૩૦-૩૫ દિવસે) જમીનમાં છોડની આજુબાજુ આપવાની ભલામણ છે. આ પ્રમાણેની માવજતથી બટાટાની ફૂદીનું પણ નિયંત્રણ થાય છે. ડુંગળી અને લસણના પાકમાં થિ્રપ્સ આર્થિક રીતે અગ્યતની જીવાત ગણાય છે. લસણ વાવતી વખતે ચાસમાં ફોરેટ (૧૫ કિ/હે) અથવા કાર્બોફયુરાન (૫૦ કિ/હે) આપવાથી થિ્રપ્સનું અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે. તે ઉપરાંત આ પ્રમાણેની માવજતથી કળીની માખી નામની જીવાતનું પણ નિયંત્રણ થાય છે. પરવળના છોડ/ વેલાની ફરતે રોપણી બાદ ૧૫ દિવસે જમીનમાં કાર્બોફ્યુરાન અથવા ફોરેટ દાણાદાર કીટનાશક વેલા દીઠ ૩-૫ ગ્રામ પ્રમાણે આપવાથી વેલા કોરી ખાનાર ઈયળ (વાઈન બોરર) નું નિયંત્રણ થાય છે. વધુમાં આ પ્રમાણેની માવજતથી ભીંગડાવાળી જીવાત અને ચિક્ટા (મીલીબગ) નો ઉપદ્રવ પણ કાબૂમાં રહે છે.
મગ, મઠ, અડદ અને ચોળા જેવા કઠોળ પાકોમાં ચૂસીયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે દાણાદાર કીટનાશકોનો ઉપયોગ થાય છે. આ પાકોની વાવણી પહેલા ચાસમાં કાર્બોફ્યુરાન (૩૩ કિ/હે અથવા) ફોરેટ (૧૦ કિ/હે) આપવાથી પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન કરતી તડતડીયાં નામની જીવાતના નુકસાનથી પાકને બચાવી શકાય છે. તે સિવાય આવા કઠોળ પાકોના પાન પર નાના – નાના ગોળાકાર કાણાં પાડી પાન ખાઈને નુકસાન કરનારી જીવાત (ફલી બીટલ) અને થડમાં કાણું પાડી અંદરનો ભાગ કોરી ખાનારી જીવાત (થડની માખી) નું પણ નિયંત્રણ થાય છે.
શેરડીના પાકમાં જુદા જુદા વેધકો (ટોચવેધક, ડુંખવેધક, પિરાઈવેધક, આંતરગાંઠ વેધક અને મૂળવેધક) થી સારા એવા પ્રમાણમાં નુકસાન થતુ હોય છે. તેના નિયંત્રણ માટે દાણાદાર કીટનાશકો અસરકારક પુરવાર થયેલ છે. આવા વેધાકોના નિયંત્રણ માટે શેરડીની રોપણી વખતે અથવા તો રોપણી બાદ એક મહિને પાળા ચઢાવતી વખતે કર્બોફ્યુરાન (૩૩ કિ/હે) અથવા તો શેરડીની રોપણી બાદ એક મહિને, ત્રણ મહિને અને પાંચમાં મહિને એમ ત્રણ વખત ફોરેટ (૧૦ કિ/હે) આપવાની ભલામણ છે. શેરડીના પાકમાં સુકારાના રોગ સાથે જો મૂળવેધક (રૂટ બોર૨) અને કૃમિ (નિમેટોડ) નો ઉપદ્રવ હોય તો સુકારા રોગની તીવ્રતા વધી શકે છે. તેથી કૃમિ અને મૂળવેધકના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન આપવાની ભલામણ છે.
ફળપાકોમાં કેળના પાકમાં દાણાદાર કીટનાશકનો ઉપયોગ થાય છે. કેળની ગાંઠ/કંદ રોપવા માટેના ખાડામાં ફોરેટ અથવા કાર્બોફ્યુરાન ખાડા દીઠ ૫-૧૦ ગ્રામ પ્રમાણે આપવાથી ગાંઠના ચાંચવા નામની જીવાત સામે રક્ષણ મળે છે.
દાણાદાર કીટનાશકો મુખ્યત્વે જીવાતોના નિયંત્રણ માટે વપરાય છે. પરંતુ કેટલાક ખેતી પાકોમાં રોગના નિયંત્રણમાં પણ તેનો ઉપયોગ થાય છે. કેળ, મગફળી, મરચી, રીંગણી, ટામેટી, વેલાવાળા શાકભાજી, બટાટા, તુવેર, મગ અને શેરડીના પાકમાં કૃમિના નિયંત્રણ માટે ખાસ કરીને કાર્બોફ્યુરાનનો ઉપયોગ થાય છે
સામાન્ય રીતે દાણાદાર કીટનાશકો ૦.૭૫ થી ૧.૦ કિલો સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે ભલામણા કરવામાં આવે છે. અમુક કિસ્સામાં (દા.ત. શેરડી અને લસણ ) તે વધુમાં વધુ ૧.૫ કિલો સ.ત./હે પ્રમાણે ભલામણ થયેલ છે. દાણાદાર કીટનાશકોમાં રહેલ સક્રિય/અસલ તત્વના આધારે કેટલા પ્રમાણમાં બજારૂ પ્રોડક્ટ ખરીદવી તે નક્કી કરવામાં આવે છે. દા.ત. ૧ કિલો સ.તત્વ/હે પ્રમાણે ભલામણ
કરવામાં આવી હોય તો બજારમાંથી કાર્બોફ્યુરાન ૩%, કારટાપ હાઈડ્રોક્લોરાઈડ ૪%, કાર્બોસલ્ફાન ૫% અને ફોરેટ ૧૦% અનુક્રમે ૩૩.૩૩, ૨૫, ૨૦ અને ૧૦ કિલો પ્રમાણે ખરીદવી પડે.
દાણાદાર કીટનાશકો જુદા જુદા વ્યાપારી/બજારૂ નામે મળે છે.
કાર્બોફ્યુરાન : ફયુરાપાન, ફયુરાકાબે, એગ્રોફ્યુરાન, ડાયફ્યુરાન,ટાટા ફ્યુરાન,અનુક્યુરાન અને હેક્ષા ફ્યુરાન
કાર્બોસલ્ફાન: માર્શલ, માસ્ટર અને આતંક કારટેપ હાઈડ્રોક્લોરાઈડ : કેલ્કાન, પદાન, પ્રતાપ, રતન, કોસમોસ, કાર્ટરીઝ અને રીસેન્ટ
ફોરેટ : થીમટ, હેલ્મટ, વેલ્ફર, ધાન, વોરંટ, એગ્રોફોરેટ, ફોરાટોલ, ફોરીલ, એગ્રોફેટ, હિટાટે અનુમેટ, ફોરટાન, ગ્રેન્યુટોક્ષ, સ્ટારફોર અને લુકેેટ.
થડ કોરી ખાનારી જીવાતો (ગાભમારાની ઈયળ) અને જમીનમાં રહી નકસાન કરતી જીવતો કે જેના નિયંત્રણ માટે કીટનાશકોનો છંટકાવ ખાસ કામયાબ નિવડતો નથી તેવા કિસ્સામાં દાણાદાર કીટનાશકો સારૂ કામ આપે છે. દાણાદાર કીટનાશકોના ઉપયોગ વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. ડાંગરની ક્યારીમાંથી વધારાનું પાણી નિતારી નાંખ્યા બાદ દાણાદાર કીટનાશકોનો ઉપયોગ કરવાથી તેના અસરકારક પરિણામો મળે છે. જીવાતોના કુદરતી દુશ્મનો (પરજીવી અને પરભક્ષી કીટકો ) તથા પરાગનયન માટે ઉપયોગી એવા કીટકો દાણાદાર કીટનાશાકો સાથે સીધા સંપર્કમાં આવતા ન હોવાથી તેમને માટે સલામત પુરવાર થયેલ છે. કીટનાશકોના અન્ય સ્વરૂપ (ભૂકારૂપ, વેટેબલ પાઉડર, સોલ્યુબલ પાઉડર અને પ્રવાહી) ની સરખામણીએ. દાણાદાર કીટનાશકો મનુષ્યો માટે પ્રમાણમાં વધુ સલામત હોય છે. તેની અસર લાંબો સમય સુધી જળવાઈ રહેતી હોવાથી વારંવાર આપવાની જરૂર પડતી નથી અને એટલા માટે જ દાણાદાર કીટનાશકો સામે કારા જીવાતે પ્રતિકારક શક્તિ મેળવી હોય તેવા બનાવ નોંધાયા નથી. વધુમાં પાકની શરૂઆતની અવસ્થામાં ન ઉપયોગ થતો હોવાથી ખાધ-પદાર્થો (ફળો, શાકભાજી, અનાજ)માં તેના અવશેષો રહેવાનો પ્રશ્ન ખાસ ઉપસ્થિત થતો નથી.
























