
નિઓનિકોટીનોઇડ જુથમાં સમાવેશ થતી ડિનોટેફુરાન એક અગત્યનું શોષક પ્રકારનું કીટનાશક છે. આ કીટનાશક ઓસીન અને ટોકેન જેવા વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં બજારમાં ૨૦% એસજી (ઓગળી શકે તેવા દાણાદાર) સ્વરૂપે ઉપલબ્ધ છે. આ કીટનાશક ૧૫૦-૨૦૦ ગ્રા./હેક્ટર પ્રમાણે ઉપયોગમાં લેવી જોઈએ. ડિનોટેફુરાન મિતસૂઈ કેમિકલ્સ નામની કંપની દ્વારા સને ૧૯૯૮ માં જાપાનમાં તૈયાર કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૧૩થી આ કીટનાશકનો લાભ આપણા ભારતના ખેડૂતોને પણ મળતો થયો છે. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્રારા આ કીટનાશક ઓશીનના નામે ૨૦ ટકા એસજી સ્વરૂપે આપણા દેશમાં ઉપલબ્ધ બનાવી છે.

આ કીટનાશક નિઓનિકોટીનોઇડ જુથનું હોય જે કુદરતી કીટનાશક તમાકુની જેમ કામ કરે છે. તમાકુમાં રહેલ રાસાયણિક તત્વ નિકોટીનની જેમ આ જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. આ કીટનાશક શોષક પ્રકારના ગુણધર્મને આધારે છોડની અંદર દરેક ભાગમાં પ્રસરણ પામે છે. ચૂસીયા પ્રકારની જીવાતોમાં આ કીટનાશક છોડના રસરૂપે અને ચાવીને ખાનાર જીવાતના શરીરમાં ખોરાકરૂપે પ્રવેશે છે. જીવાતનાં નિકોટિનિક એસીટાઇલકોલાઇન સંવેદકો કે જે બે ચેતાકોષો વચ્ચે ચેતાપ્રસરણ માટે જવાબદાર છે. આ કીટનાશક ચેતાકોષમાં આવેલા આવા સંવેદકો સાથે જોડાય છે. તેથી તે ચેતાકોષને સતત ઉતેજીત રાખે છે. જેના પરિણામે સ્નાયુઓને એકની એક પક્રિયા કરવા માટે સંદેશો આપ્યા કરે છે. પરિણામે ચેતાતંત્રમાં ધીરે ધીરે નિષ્ક્રિયતા આવે છે અને આ કીટનાશકની અસરવાળી જીવાતો મૃત્યુ પામે છે.

ડિનોટેફુરાન ડાંગર અને કપાસ જેવા મહત્વના પાકોમાં આવતી જીવાતો જેવી કે થ્રીપ્સ, તડતડીયા, સફેદમાખી, મોલો, બદામી ચૂસીયાનાં વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. પશ્ચિમ બંગાળમાં લેવામાં આવેલ અખતરાનાં પરિણામો પરથી જાણવા મળેલ છે કે, ડાંગરમાં જોવા મળતા બદામી ચૂસીયા સામે આ કીટનાશક ૨૦ એસજીના રૂપમાં સારા પરીણામો આપે છે. વધુમાં આ કીટનાશક બજારમાં ૧૦૦, ૨૫૦, ૫૦૦ ગ્રામ તથા ૧ કિ.ગ્રા.ના પેકીંગમાં મલે છે. ડાંગર જેવા પાકમાં આ કીટનાશકનો છંટકાવ કર્યા બાદ ઓછામાં ઓછો ૧૫ દિવસનો સમયગાળો જાળવી કાપણી કરવી, જેથી તેમાંથી બનતી ચીજવસ્તુઓમાં આ કીટનાશકના કોઈ અવશેષો આવવાનો ભય રહે નહીં અને મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે.



















